ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦મી અડધી સદી પુરી કરી
- ધોનીની ટેસ્ટમાં ૩૩, વન ડેમાં ૬૬, ટી-૨૦માં ૧ અડધી સદી છે
- ઘરઆંગણે ૪,૦૦૦ વન ડે રનનો માઈલસ્ટોન વટાવ્યો
ચેન્નાઈ, તા. 17 સપ્ટેમ્બર, 2017, રવિવાર
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્લ્ડ બેસ્ટ ફિનિશર ધોનીએ તેનું શાનદાર ફોર્મ જારી રાખતાં ઓસ્ટ્રેલિયા સામેની ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ૮૮ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૯ રન ફટકાર્યા હતા. આ સાથે ધોનીએ વન ડે ક્રિકેટમાં ૬૬મી અડધી સદી પુરી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૧૦૦ અડધી સદીનો વિક્રમ નોંધાવ્યો હતો.
ધોની ટેસ્ટમાં૩૩ અને ટી-૨૦માં એક અડધી સદી ફટકારી ચૂક્યો છે. ધોની અગાઉ તેંડુલકર, ગાંગુલી અને દ્રવિડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અડધી સદીની સદી ફટકારી ચૂક્યા છે. ચેન્નાઈમાં ભારતીય ઈનિંગને બેઠી કરતાં ધોનીએ ટીમને ૨૮૧ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેણે હાર્દિક પંડયા સાથે ૧૧૮ રનની અને ત્યાર બાદ બી.કુમાર (૩૨*) સાથે ૭૨ રનની ભાગીદારી કરી હતી. ધોનીએ આક્રમક ઈનિંગ દરમિયાન ઘરઆંગણે ૪,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો. તે વિદેશમાં તો ૪,૦૦૦ રન પુરા કરી ચૂક્યો છે અને હવે ૧૦,૦૦૦ વન ડે રન તરફ આગળ વધી રહ્યો છે.