Get The App

પરિવારમાં માતમ, છતાં સંયમ સાથે ઑસ્ટ્રેલિયાની ક્રિઝ પર ટક્યો ભારતનો આ ખેલાડી, બચાવી ટીમની આબરૂ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
પરિવારમાં માતમ, છતાં સંયમ સાથે ઑસ્ટ્રેલિયાની ક્રિઝ પર ટક્યો ભારતનો આ ખેલાડી, બચાવી ટીમની આબરૂ 1 - image

Akash Deep : સાચો ખેલાડી એ છે જે કોઈપણ પરિસ્થિતિમાં પોતાની ફરજને સૌથી પહેલા પ્રાથમિકતા આપે અને મેદાન પર ટીમને જીતાડવા માટે પોતાનું સર્વસ્વ આપી દે, આ જ ખેલદિલીની સાચી વ્યાખ્યા છે. આવું જ કંઇક ભારતીય ખેલાડી આકાશ દીપે કરી બતાવ્યું છે. જ્યારે આખી ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી ત્યારે તેણે પોતાની રમતથી ટીમને માત્ર સંભાળી જ નહીં પરંતુ વ્યક્તિગત દુઃખને બાજુ પર રાખીને પોતાની ફરજને નિભાવી હતી.

મેચ વચ્ચે આકાશ દીપને મળ્યા શોકના સમાચાર

હકીકતમાં 11 ડિસેમ્બર 2024ના રોજ આકાશ દીપના મોટા પપ્પા ભૈરોદયાલ સિંહ (82)નું અવસાન થયું હતું. પરિવારમાં શોકનું વાતાવરણ હતું અને આ દુઃખદ સમયમાં આકાશદીપ પર બેવડી જવાબદારી હતી. એક તરફ પરિવારની સંભાળ રાખવાની ફરજ અને બીજી તરફ દેશની અપેક્ષાઓનું વજન હતું. પરંતુ તેણે મેદાનમાં પોતની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું. 

મુશ્કેલ સમયમાં ટીમ માટે રમવા આવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ મેચ દરમિયાન એક સમયે ભારતીય ટીમ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. તે સમયે લાગી રહ્યું હતું કે, ભારત ફોલોઓનથી બચી શકશે નહી. ટોપ ઓર્ડરના બેટર  યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત અને કેપ્ટન રોહિત શર્મા એક પછી એક ફ્લોપ રહ્યા હતા. ટીમે 9 વિકેટ ગુમાવી દીધી હતી અને ફોલોઓન ટાળવા માટે 33 રનની જરૂર હતી. ત્યારબાદ આકાશ દીપ અને જસપ્રિત બુમરાહ ક્રિઝ પર રમવા આવ્યા હતા.

સંયમ અને હિંમત રાખી શાનદાર પ્રદર્શન કર્યું

આ મુશ્કેલ સમયમાં પણ તેણે સંયમ અને હિંમત રાખી શાનદાર પ્રદર્શન કર્યું હતું.  તેણે એક મહત્ત્વપૂર્ણ ચોગ્ગો ફટકારીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. આકાશ દીપ અને જસપ્રિત બુમરાહની 47 રનની ભાગીદારીએ માત્ર મેચનો વળાંક જ ન બદલ્યો પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ ખુશીનો માહોલ બનાવી દીધો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓએ ઉભા થઈને આકાશ દીપ અને બુમરાહની જોડીને સલામ કરી હતી.

આ પણ વાંચો :અશ્વિને કદાચ સતત અપમાનના કારણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, પિતાનો ચોંકાવનારો દાવો

ભારતનું WTC ફાઈનલમાં પહોંચવાનું સપનું જીવંત રાખ્યું 

આ ભાગીદારી માત્ર ભારતને ફોલોઓન બચાવવા પુરતી મર્યાદિત ન હતી. પરંતુ આનાથી  મેચ ડ્રો થવાનો માર્ગ પણ મોકળો થયો હતો. અને ભારતનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલમાં પહોંચવાના સપનાને પણ જીવંત રાખ્યું હતું. આકાશ દીપ માટે આ પ્રદર્શન ખાસ રહ્યું હતું, કારણ કે તેણે પોતાના અંગત દુઃખને મેદાન પર હાવી થવા દીધું ન હતું.પરિવારમાં માતમ, છતાં સંયમ સાથે ઑસ્ટ્રેલિયાની ક્રિઝ પર ટક્યો ભારતનો આ ખેલાડી, બચાવી ટીમની આબરૂ 2 - image



Google NewsGoogle News