પંતે વધુ પૈસા કમાવા દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડ્યો, ગાવસ્કરની કોમેન્ટને વધુ એક દિગ્ગજનો ટેકો
IPL Auction Reason Of Pant Leave DC: આઇપીએલની હરાજીમાં પંતને લખનઉ સુપર જાયન્ટ્સે નવો કીર્તિમાન સ્થાપિત કરતાં રૂ. 27 કરોડમાં ખરીદ્યો હતો. ગાવસ્કરે અગાઉ કોમેન્ટ કરી હતી કે, પંતે વધુ નાણાં કમાવા માટે દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડયો હતો. પંતે જાહેરમાં ગાવસ્કરને ખોટા ઠેરવતાં કોમેન્ટ કરી હતી કે, મેં માત્ર નાણાં માટે દિલ્હી કેપિટલ્સ છોડયું નહતું. જોકે હાલમાં દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ હેમાંગ બદાણીએ ગાવસ્કરની કોમેન્ટને સમર્થન આપતાં કહ્યું છે કે, પંતે વધુ નાણાં કમાવાના ઈરાદાથી જ દિલ્હી કેપિટલ્સ સાથે છેડો ફાડ્યો હતો.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ.બદ્રીનાથની યૂટ્યુબ ચેનલ સાથેની મુલાકાતમાં હેમાંગ બદાણીએ કહ્યું કે, પંત રિટેન થવા માંગતો નહતો. (તેને રિટેન થવા બદલ રૂપિયા 18 કરોડ મળે તેમ હતા.) તેણે ખુદ કહ્યું કે, હું હરાજીમાં ઉતરવા માંગુ છું અને માર્કેટને ચકાસવા ઈચ્છું છું. જ્યારે ફ્રેન્ચાઈઝી ખેલાડીને રિટેન કરવા ઈચ્છે તો બંને પક્ષકારો કેટલાક મુદ્દે સહમત હોવા જરૂરી હોય છે. અમે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, મેનેજમેન્ટે તેની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો, ઘણા બધા ફોન કોલ્સ કર્યાં અને ટેક્સ્ટ મેસેજની આપ-લે થઈ હતી. જો કે, પંતને અમારી ઓફર કરતાં વધુ નાણાં જોઈતા હતાં.
પંતને પોતાની કિંમત વધુ આંકી
બદાણીએ મુલાકાતમાં જણાવ્યું હતું કે, અમને ત્યારે પંતે કહ્યું હતુ કે, મને લાગે છે કે, જો હું હરાજીમાં ભાગ લઈશ તો મને રિટેન થનારા ટોચના ખેલાડીને જેટલી રકમ મળે છે, તેના કરતાં ઘણી વધુ રકમ મળશે. તેને લાગતું હતું કે, તે તેનું મૂલ્ય રૂ. 18 કરોડ કરતાં વધુ છે અને માર્કેટે પણ તે સાબિત કર્યું હતું. અમને તેની ખોટ પડશે, પણ જિંદગી આમ જ આગળ વધે છે.