IND vs SA: ભારત સામે ટેસ્ટ સીરિઝ પહેલા દક્ષિણ આફ્રીકાને ઝટકો, આ ખેલાડીએ સંન્યાસનું કર્યું એલાન
ભારત સામે ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા જ એલ્ગરે ઝટકો આપ્યો
કેપટાઉન ટેસ્ટ મારી છેલ્લી ટેસ્ટ હશે: ડીન એલ્ગર
Dean Elgar Retirement: દક્ષિણ આફ્રિકાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારત સામેની આગામી ટેસ્ટ સીરિઝ બાદ તે ક્રિકેટને અલવિદા કહી દેશે. 36 વર્ષીય એલ્ગરે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને પાતાના નિર્ણયની માહિતી આપી છે. એલ્ગરે સીરિઝ શરૂ થાય તે પહેલા જ ઝટકો આપ્યો છે. જોકે, તે ભારત વિરુદ્ધ બંને ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.
એલ્ગરની 12 વર્ષની લાંબી કારકિર્દીનો આવશે અંત
પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. બીજી ટેસ્ટ બાદ ડીન એલ્ગરની 12 વર્ષની લાંબી કારકિર્દીનો અંત આવશે. આ દરમિયાન તેમણે 80થી વધુ ટેસ્ટ મેચ રમી છે અને 5000થી વધુ રન બનાવ્યા છે. એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાં 17 મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશિપ પણ કરી છે.
ડીન એલ્ગરની ભાવુક પોસ્ટ
ડીન એલ્ગરે એક ભાવુક પોસ્ટમાં લખ્યું કે, જેમ કે દરેક કહે છે કે બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને ભારત સામેની ઘરેલું ટેસ્ટ સીરિઝ મારી છેલ્લી સીરિઝ હશે. કારણ કે, મેં આ સુંદર રમતમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે. આ રમતે મને ઘણું આપ્યું છે. કેપટાઉન ટેસ્ટ મારી છેલ્લી ટેસ્ટ હશે. વિશ્વના મારા પ્રિય સ્ટેડિયમમાં મારી છેલ્લી મેચ રમીશ. આ એ જ સ્ટેડિયમ છે જ્યા મે ન્યૂઝિલેન્ડ સામે મારા પ્રથમ ટેસ્ટ રન બનાવ્યા હતા અને તે જ જગ્યાએ હું મારી છેલ્લી ટેસ્ટ પણ રમીશ.