VIDEO : 'આ મારું મેદાન છે...', કોહલીએ મેચ પછી કે.એલ.રાહુલની મજાક ઉડાવી બદલો લીધો!
Virat Kohli KL Rahul DC vs RCB: RCB એ દિલ્હી કેપિટલ્સને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવીને હિસાબ ચૂકતો કર્યો છે. ત્યારબાદ વિરાટ કોહલીએ કે એલ રાહુલને તેની જ ભાષામાં જવાબ આપ્યો અને કહ્યું કે આ મારું મેદાન છે. તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સને હરાવ્યા બાદ કે એલ રાહુલનું સેલિબ્રેશન ખૂબ વાયરલ થયુ હતું. કે એલ રાહુલે મેચમાં શાનદાર બેટિંગ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ રાહુલે કાંતારા સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. બાદમાં તેણે એમ પણ કહ્યું હતું કે આ મારું મેદાન છે. બીજી તરફ હવે કોહલીએ ગઈકાલે મેચ પછી કે.એલ.રાહુલની મજાક ઉડાવી બદલો લીધો હતો.
કોહલીએ રાહુલને તેની જ ભાષામાં આપ્યો જવાબ
આવી સ્થિતિમાં વિરાટ કોહલી પણ પાછળ પડે એવો નથી. રવિવારે રાત્રે જ્યારે RCBએ દિલ્હીને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું, ત્યારે કોહલીએ કે એલ રાહુલ સામે એવો જ ઈશારો કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કે એલ રાહુલ તેના સાથી કરુણ નાયર સાથે ઉભો છે. ત્યારે ત્યાં કોહલી જાય છે અને ઈશારો કરીને કે એલ રાહુલને તેનું સેલિબ્રેશન યાદ કરાવે છે. હવે સોશિયલ મીડિયા પર ચાહકોએ આ વીડિયો શેર કરતા લખ્યું કે, કિંગ કોહલીએ રાહુલને દેખાડી દીધું કે આ મારું મેદાન છે. કે એલને ઈશારો કર્યા બાદ વિરાટ તેને ગળે લગાવે છે અને ખૂબ હસે છે. આ દરમિયાન દેવદત્ત પડિક્કલ પણ કોહલી સાથે હતો.
કોહલી અને કે એલ રાહુલ વચ્ચે દલીલ
RCB અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કોહલી અને કે એલ રાહુલ વચ્ચે મેચ દરમિયાન કોઈ વાત પર દલીલ થઈ રહી છે. કોહલી પોતાનો બેટિંગ સ્ટેન્સ છોડીને વિકેટકીપિંગ કરી રહેલા કેએલ રાહુલની સામે જઈને ઉભો રહી જાય છે. ત્યારબાદ તે ફરી ક્રીઝ પર પાછો આવે છે. કેએલ રાહુલ પણ પાછળથી તેની તરફ આગળ વધે છે. સ્ટમ્પ માઈકમાં બંનેનો અવાજ સંભળાય છે, પરંતુ એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે, દલીલ કયા મુદ્દે થઈ રહી છે.
આ પણ વાંચો: આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-5 બેટર, વિરાટ કોહલી જ અસલ 'કિંગ'
આવી રહી મેચ
ઉલ્લેખનીય છે કે, પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલા વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યા વચ્ચે ચોથી વિકેટ માટે 84 બોલમાં 119 રનની પાર્ટનરશિપના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ રવિવારે દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું. જીતવા માટે 163 રનના ટાર્ગેટ સામે આરસીબીએ એક સમયે 26 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ 18.3 ઓવરમાં ચાર વિકેટે 165 રન બનાવ્યા હતા.
RCB પોતાના મેદાનથી બહાર સતત 6 મેચ જીતનારી IPLના ઈતિહાસમાં પ્રથમ ટીમ બની ગઈ છે. ભરચક અરુણ જેટલી સ્ટેડિયમમાં 'કોહલી કોહલી' ના નારા વચ્ચે વિરાટે ઈનિંગ્સના સૂત્રધારની ભૂમિકા ભજવી અને 47 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા જ્યારે કૃણાલે 47 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 73 રન બનાવ્યા.