IPL 2024 : કોલકાતાને બે વર્ષથી દિલ્હી સામે જીતનો ઈંતજાર, આજે વિશાખાપટ્ટનમાં જામશે જંગ
DC vs KKR : IPL 2024ની 16મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રિષભ પંતની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે તેની છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને આ સિઝનની પ્રથમ જીત નોંધાવી હતી. બીજી તરફ શ્રેયસ અય્યરની KKRએ અત્યાર સુધીની તેની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે બંને ટીમો આ લય જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બંને ટીમના ખેલાડીઓ શાનદાર ફોર્મમાં
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત શાનદાર ફોર્મમાં છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં તેણે ફિફ્ટી ફટકારી હતી. તેણે અત્યાર સુધી 3 મેચમાં 97 રન બનાવ્યા છે. CSK સામેની મેચમાં પૃથ્વી શોને પણ પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. શો શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો અને તેણે 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે પણ ચેન્નઈ સામે ફિફ્ટી ફટકારી હતી. તેણે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણ KKR તરફથી શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન આપી રહ્યો છે. તેણે RCB સામેની છેલ્લી મેચમાં 22 બોલમાં 47 રન બનાવ્યા હતા. KKRનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પણ શાનદાર ફોર્મમાં છે. SRH સામે તેણે 25 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. KKR 2 મેચમાં 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જયારે DC 3 મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં સ્થાને છે.
હેડ ટુ હેડ
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અત્યાર સુધીમાં IPLની 32 મેચ રમાઈ છે. જેમાંથી DCએ 15 અને KKRએ 16માં જીત મેળવી છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. KKR સામે દિલ્હીનો સર્વોચ્ચ સ્કોર 228 રન છે, જ્યારે DC સામે KKRનો સર્વોચ્ચ સ્કોર 210 રન છે. બંને વચ્ચેની છેલ્લી 5 IPL મેચોમાં દિલ્હી કેપિટલ્સે 3 અને કોલકાતા નાઈટ રાઈડર્સે 2માં જીત મેળવી છે. KKR છેલ્લે IPL 2021માં DC સામે જીત્યું હતું.
પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ
વિશાખાપટ્ટનમના ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. જો કે મેચના પહેલા હાફમાં ફાસ્ટ બોલરોને પિચમાંથી થોડો સ્વિંગ મળી શકે છે, જ્યારે સ્પિનરોને મેચના બીજા હાફમાં મદદ મળી શકે છે. આ મેદાન પર બેટર અને બોલર વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ
રિષભ પંત (C/wkt), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, જેક ફ્રેઝર-મેકગર્ક, અક્ષર પટેલ, અભિષેક પોરેલ, એનરીચ નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, ખલીલ અહેમદ
કોલકાતા નાઈટ રાઈડર્સ
શ્રેયસ અય્યર (C), ફિલ સોલ્ટ (wkt), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા