કોહલી-ટેલર બાદ વોર્નરનો વર્લ્ડ રેકોર્ડ, સૌથી વધુ T20 રમનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બન્યો
ટેસ્ટ અને વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યો પછી ડેવિડ વોર્નરની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ
David Warner World Record: ઓસ્ટેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વોર્નર ત્રીજો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા વિરાટ કોહલી અને ન્યુઝીલેન્ડના રોસ ટેલરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચમાં વોર્નરે માત્ર 36 બોલમાં 70 રન ફટકાર્યા હતા. આ દરમિયાન વોર્નરે 12 ફોર અને એક સિક્સ ફટકારી હતી. વોર્નર 100મી ટેસ્ટ, 100મી ODI અને 100મી T20 ઈન્ટરનેશનલ મેચમાં 50+રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
વોર્નરે ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી
દક્ષિણ આફ્રિકા સામે ડેવિડ વોર્નરે 100મી ટેસ્ટ મેચ રમી હતી. ત્યારે તેમણે 255 બોલમાં 200 રન બનાવ્યા હતા. આ પછી તેણે ભારત સામે તેની 100મી ODI ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં 119 બોલમાં 124 રન બનાવ્યા હતા. વોર્નરે તેની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 70 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે ટેસ્ટ અને ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે, જ્યારે તે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખે છે.
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ હોબાર્ટના બેલેરીવ ઓવલ મેદાન પર રમાઈ રહી છે. જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની ટેસ્ટ સીરિઝ દરમિયાન ટેસ્ટ અને વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર ડેવિડ વોર્નર આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ છે.