IND vs AUS: ચાલુ મેચમાં બત્તી ગુલ! સ્ટેડિયમમાં છવાયું અંધારું, ગુસ્સે ભરાયો હર્ષિત રાણા
IND vs AUS : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ડે-નાઈટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં બે વખત લાઈટો બંધ થઇ ગઈ હતી. જેના કારણે રમત મેચ દરમિયાન થોડા સમય માટે રોકવી પડી હતી. લાઈટો બંધ થવાના કારણે આખું સ્ટેડિયમ અંધારામાં ડૂબી ગયું હતું. પિંક બોલ ટેસ્ટ મેચમાં ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. મિચેલ સ્ટાર્કની વિસ્ફોટક બોલિંગના કારણે ભારતીય ટીમ 180 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાનમાં આવી હતી.
મેચ દરમિયાન સ્ટેડીયમમાં છવાયો અંધારપટ
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 18મી ઓવર દરમિયાન એક વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. હકીકતમાં નાથન મૈકસ્વીન સ્ટ્રાઈક પર હતો અને સામે હર્ષિત રાણા બોલિંગ કરી રહ્યો હતો. રાણાની ઓવરનો બીજો બોલ ડોટ રહ્યો હતો. પોતાની બોલિંગથી રાણા મૈકસ્વીનને ઘણો પરેશાન કરી રહ્યો હતો. જયારે રાણા ઓવરનો ત્રીજો બોલ ફેંકવા માટે તૈયાર કરી રહ્યો હતો, ત્યારે અચાનક લાઇટ બંધ થઈ ગઈ હતી. જો કે, થોડી જ સેકન્ડોમાં લાઈટ પાછી આવી ગઈ. આ પછી રાણાએ વધુ બે બોલ નાખ્યા અને ફરી એક વાર લાઈટો જતી રહી હતી.
હર્ષિત રાણા ગુસ્સે ભરાયો
બે મિનિટમાં બે વાર લાઈટો ગઈ ત્યારે રાણાને ગુસ્સે થઇ ગયો હતો. સ્ટેડિયમમાં અંધારું થઇ ગયા બાદ દર્શકોએ પોતાના ફોનની ટોર્ચ ચાલુ કરી દીધી હતી. લાઇટ ચાલુ થયા બાદ રાણાએ પોતાની ઓવર પૂરી કરી હતી. આ ઓવર મેડન રહી હતી. આ પહેલા જસપ્રીત બુમરાહે 11 ઓવરમાં ઉસ્માન ખ્વાજાના રૂપમાં ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો આપ્યો હતો.
આ પણ વાંચો : IND vs AUS: મિચેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકૉર્ડ
ભારતીય બેટરોનું નિરાશાજનક પ્રદર્શન
એડિલેડ ટેસ્ટમાં ભારતીય બેટિંગની વાત કરીએ તો નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેમના સિવાય કેએલ રાહુલે 37 રન અને શુભમન ગિલે 31 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ મેચના પહેલા બોલ પર જ શૂન્ય રને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ સાત રન બનાવી આઉટ થઇ ગયો હતો. અને કેપ્ટન રોહિત શર્મા માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો. રિષભ પંતે 21 રન અને આર અશ્વિને 22 રનની ઇનિંગ રમી હતી.