સિનસિનાટી માસ્ટર્સ : વર્લ્ડ નંબર વન યોકોવિચને હરાવીને મેડ્વેડેવ ફાઈનલમાં
- મેડ્વેડેવ સતત બીજા સપ્તાહે માસ્ટર્સ-1000 સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલમાં
- હવે ફાઈનલમાં બેલ્જીયમના ગોફિન સામે ટક્કર
સિનસિનાટી, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર
વર્લ્ડ રેન્કિંગમાં ૮મું સ્થાન ધરાવતા રશિયાના ડેનિયલ મેડ્વેડેવ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને ત્રણ સેટના સંઘર્ષ બાદ ૩-૬, ૬-૩, ૬-૩થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે મેડ્વેડેવ સતત બીજા સપ્તાહે માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝની ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ્યો હતો.
જ્યારે યોકોવિચ વર્ષ ૨૦૧૩ બાદ પહેલી વખત એટીપી માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રથમ સેટ જીત્યા બાદ મેચ હાર્યો હોય તેવી આ પહેલી ઘટના હતી.
મેડ્વેડેવે એક કલાક અને ૪૩ મિનિટના જોરદાર સંઘર્ષ બાદ કારકિર્દીનો યાદગાર વિજય મેળવ્યો હતો. હવે ફાઈનલમાં તેનો મુકાબલો બેલ્જીયમના ડેવિડ ગોફિન સામે થશે. ગોફિને ગઈકાલે મોડી રાત્રે પુરી થયેલી અન્ય સેમિ ફાઈનલમાં ફ્રાન્સના રિચાર્ડ ગાસ્કેટને સીધા સેટોમાં ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો.
મેડ્વેડેવ સતત બીજી માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલ રમશે, જ્યારે ઓવરઓલ તે સતત ત્રીજી એટીપી ફાઈનલ રમશે. અગાઉ વોશિંગ્ટન ઓપનની ફાઈનલમાં તે કિર્ગીઓસ સામે હાર્યો હતો. જ્યારે ગત સપ્તાહે રોજર્સ કપની ફાઈનલમાં તેને નડાલે હરાવ્યો હતો.