CWG 2022: વિકાસ ઠાકુરે સિલ્વર મેડલ જીત્યા બાદ સિદ્ધુ મૂસેવાલાને કર્યો યાદ
- મૂસેવાલાની હત્યા થઈ તે સમયે વિકાસે 2 દિવસ સુધી ભોજન પણ નહોતું કર્યું
બર્મિંગહામ, તા. 03 ઓગષ્ટ 2022, બુધવાર
ઈંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2022ના પાંચમા દિવસે વેઈટલિફ્ટર વિકાસ ઠાકુરે જોરદાર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ વિકાસે પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને શ્રદ્ધાંજલિ આપીને તેના અંદાજમાં જ ઉજવણી કરી હતી.
વિકાસ ઠાકુરે સિદ્ધુ મૂસેવાલાના અંદાજમાં જાંઘ પર હાથ મારીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. વિકાસ પોતે સિદ્ધુ મૂસેવાલાનો મોટો ચાહક છે. મૂસેવાલાની હત્યા થઈ તે સમયે વિકાસે 2 દિવસ સુધી ભોજન પણ નહોતું કર્યું.
કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે વિકાસે પુરૂષોની 96 કિગ્રા ઈવેન્ટમાં કુલ 346 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ તેણે મૂસેવાલાના અંદાજમાં વિજયની ઉજવણી કરી હતી.
હિમાચલ પ્રદેશના વિકાસ ઠાકુરના કહેવા પ્રમાણે તેણે કોમનવેલ્થ ગેમ્સ સુધીની સફર મૂસેવાના ગીતો સાંભળીને જ કરી છે.
વિકાસે પંજાબી 'થપ્પી'ને મૂસેવાલા માટેની શ્રદ્ધાંજલિ ગણાવી હતી. વિકાસના કહેવા પ્રમાણે તે કદી મૂસેવાલાને મળ્યો નથી પરંતુ મૂસેવાલાના ગીતો હંમેશા તેના સાથે જ રહેશે અને તેને પ્રેરણા આપતા રહેશે.