Get The App

કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ફેવરિટ નીરજ ઈજાના કારણે ખસી ગયો

- વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ ઈજાગ્રસ્ત બન્યો હતો

- ડોક્ટરે નીરજને એક મહિનો આરામ કરવાની સલાહ આપી

Updated: Jul 26th, 2022


Google NewsGoogle News
કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ફેવરિટ નીરજ ઈજાના કારણે ખસી ગયો 1 - image

બર્મિંગહામ, તા.૨૬

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવનારો જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ઈજાગ્રસ્ત બની ગયો હતો. નીરજને વર્લ્ડ એથ્લેટિક્સના ચોથા થ્રોમાં જ ઈજા થઈ હતી અને તે થ્રોમાં તેણે ૮૮.૧૩ મીટરનું અંતર હાંસલ કરતાં સિલ્વર મેડલ જીત્યો હતો. અલબત્ત, ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જતાં ભારતે એક નિશ્ચિત મનાતો ગોલ્ડ મેડલ ગુમાવી દીધો હતો. જેના લીધે ભારતીય ચાહકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

નીરજ ચોપરા હાલમાં અમેરિકામાં જ રોકાયો છે અને ત્યાં તેને ડોક્ટરની સલાહ લીધી હતી. નીરજને ગ્રોઈન એરિયામાં સ્નાયુ ખેંચાતા ઈજા થઈ હતી. જેનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતુ. તેના રિપોર્ટના આધારે ડોક્ટરે નીરજને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે નીરજ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવાનો નથી.

ભારતીય ઓલિમ્પિક સંઘના સેક્રેટરી જનરલ રાજીવ મહેતાએ કહ્યું કે, નીરજ ચોપરાએ મને ફોન કરીને જણાવ્યું હતુ કે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં થયેલી ઈજાના કારણે મને મારી મેડિકલ ટીમે એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપી છે. જેના કારણે હું કોમન વેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શકું તેમ નથી. નોંધપાત્ર છે કે, છેલ્લે ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં નીરજે ભારતને જેવલીન થ્રોમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

હવે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને નવા ફ્લેગ બેરરની તલાશ કરવી પડશે. આ જવાબદારી નીરજ સંભાળવાનો હતો. જોકે તે ઈજાગ્રસ્ત બનતાં ભારતીય ટીમ ટૂંક સમયમાં જ નવા ફ્લેગ બેરરના નામની જાહેરાત કરશે.


Google NewsGoogle News