મહિલા હોકીમાં ભારત 'ક્લોક' વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું : હવે બ્રોન્ઝની તક
- પહેલી જ પેનલ્ટીમાં ઓફિશિઅલની ભૂલ ભારતને ભારે પડી
- ઓફિશિઅલે ક્લોક ચાલુ ના કરી ને ગોલકિપર સરિતાએ કરેલા શાનદાર દેખાવને અમાન્ય ગણાવાયો : ઓસ્ટ્રેલિયાએ બીજીવાર મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો
બર્મિંગહામ, તા.૬
ભારતીય
મહિલા હોકી ટીમને ક્લોક વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા સામેના પેનલ્ટી શૂટઆઉટમાં ૦-૩થી
હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ
જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાઈ ગયું હતુ. ભારત હવે બ્રોન્ઝ મેડલ મેચમાં આવતીકાલે
બપોરે ૧.૩૦ વાગ્યાથી ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. જ્યારે ગોલ્ડ મેડલ મેચમાં
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. ઈંગ્લેન્ડે બીજી સેમિ ફાઈનલમાં
ન્યુઝીલેન્ડને હરાવ્યું હતુ.
બર્મિંગહામમાં
રમાયેલી સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને રેબેકા ગ્રેઈનરે ૧૦મી મિનિટે ગોલ ફટકારતાં
સરસાઈ અપાવી દીધી હતી. જ્યારે ભારત તરફથી વંદના કટારિયાએ મેચની ૪૯મી મિનિટે ગોલ
ફટકારતાં મેચને બરોબરી પર લાવી દીધી હતી. આખરે મેચ ૧-૧થી ડ્રો રહી હતી.
પહેલી
જ પેનલ્ટી પર ક્લોક વિવાદ સર્જાયો
પેનલ્ટી
શૂટઆઉટમાં ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી પેનલ્ટી એમ્બ્રોસિયા મેલોનીએ લીધી હતી. જોકે
ભારતીય ગોલકિપર સરિતાએ શાનદાર સેવ કરતાં ઓસ્ટ્રેલિયા ગોલ નોધાવી શક્યું નહતું.
જોકે બધાના આશ્ચર્ય વચ્ચે તેને ફરી તક આપવામાં આવી હતી. આ માટે એવું કારણ
જણાવવામાં આવ્યું હતુ કે,
મેચના ટેક્નિકલ ઓફિશિઅલ ઈંગ્લેન્ડના બી.મોર્ગને એઈટ સેકન્ડ ક્લોક
શરૃ જ કરી નહતી. આ કારણે પ્રથમ પ્રયાસને રદ કરવામાં આવે છેે. ભારત પાસેથી મેચમાં
પકડ જમાવવાની આ નિર્ણાયક તક સરી ગઈ હતી, જેના કારણે ખેલાડીઓએ
આઘાત અનુભવ્યો હતો. એમ્બ્રોસિયા મેલોનીએ બીજીવાર મળેલી તકમાં ભુલ કરી નહતી અને ગોલ
ફટકાર્યો હતો. આ સાથે ભારતીય કેમ્પ ભારે અપસેટ જોવા મળ્યો હતો.
ભારતીય
ખેલાડીઓ ત્રણેય પેનલ્ટી ચૂકી
મેલોનીને
બે પ્રયાસમાં ગોલ ફટકારતાં ઓસ્ટ્રેલિયાને ૧-૦થી સરસાઈ અપાવી હતી. લાલરેમ્સિમીએ
ભારતની પ્રથમ પેનલ્ટી ચૂકી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નોબ્સ અને લોટને બાકીની બે
પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. જ્યારે નેહા ગોયલ અને નવનીત કૌર ગોલ ફટકારી શક્યા
નહતા. આખરે ભારત પેનલ્ટી શૂટઆઉટમાં ૦-૩થી હારી ગયું હતુ.
આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને ભારતની માફી માંગી
કોમનવેલ્થ
ગેમ્સની મહિલા હોકીની સેમિ ફાઈનલમાં સર્જાયેલા ક્લોક વિવાદને પગલે ભારતને ફટકો
પડયો હતો અને આખરે ભારતનો પરાજય થયો હતો. આ અંગે આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશને
ભારતની માફી માગી હતી. તેમણે કહ્યું હતુ કે,
આ ઘટના અંગે અમે સમીક્ષા કરીશું.
ક્લોક વિવાદથી અકળાયેલી ભારતીય ટીમે લય ગુમાવી : કોચ જેન્નિકા
ભારતીય મહિલા ટીમની હાર બાદ કોચ અને ભૂતપૂર્વ ડચ હોકી પ્લેયર જેન્નિકા ચોપમેને કહ્યું હતુ કે, પેનલ્ટી શૂટઆઉટમાં સર્જાયેલા ક્લોક વિવાદને કારણે ભારતીય મહિલા ખેલાડીઓ રોષને કારણે અકળાઈ ઉઠી હતી. જેના કારણે તેમણે લય ગુમાવી દીધી હતી. હું હાર પછી બહાનું કાઢતી નથી, પણ આ પ્રકારની પરિસ્થિતિમાં ખેલાડીઓના મનોબળ પર અસર થતી હોય છે.
ગોલકિપર
સરિતા રડી પડી : સોશિયલ મીડિયામાં ચાહકોનો રોષ
ઓસ્ટ્રેલિયા
સામેનીપેનલ્ટી શૂટઆઉટમાં સર્જાયેલા વિવાદને પગલે ભારતની જીતની તક ટેક્નિકલ
ઓફિશિઅલની ભૂલને કારણે છીનવાઈ ગઈ હતી. ગોલકિપર સરિતા તો મેચ બાદ રીતસર રડી પડી
હતી. જ્યારે ભારતીય ખેલાડીઓને કોચ અને સપોર્ટ સ્ટાફ આશ્વાસન આપતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયામાં સેહવાગ સહિતના સેલિબ્રિટીસ અને ચાહકોએ પણ ટેકનિકલ ઓફિશિઅલની આ
પ્રકારની લાપરવાહીની ઝાટકણી કાઢી હતી.