ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને એક બાદ એક ચાર ઝટકા! કમિન્સ સહિત આ ખેલાડીઓ નહીં રમે
Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહી છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો હાઈબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાનના ત્રણ શહેરો કરાચી, રાવલપીંડી અને લાહોર અને દુબઈ ખાતે યોજાશે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને મોટા ઝટકા લાગી રહ્યા છે.
પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડ સહિત ચાર ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
કેપ્ટન પેટ કમિન્સ અને ઝડપી બોલર જોશ હેઝલવૂડ આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયા છે. કમિન્સ હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. ભારત સામેની બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં પણ તે ઈજાની કારણે ઘણો પરેશાન થયો હતો. જ્યારે હેઝલવૂડ પીઠના નીચેના ભાગમાં દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કમિન્સ અને હેઝલવૂડ વાપસી પહેલા રીહેબમાંથી પસાર થશે. બંને ટીમમાંથી બહાર થવાને કારણે હવે ઓસ્ટ્રેલિયન ટીમમાં ચાર મોટા ફરેફાર કરવા પડશે. મિચેલ માર્શ અગાઉથી જ ઈજાને કારણે ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. જયારે માર્ક સ્ટોઇનિસે અચાનક જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.
ઓસ્ટ્રેલિયન ટીમની મુશ્કેલીમાં વધારો
ઓસ્ટ્રેલિયન ટીમને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હેઝલવૂડની બોલિંગમાં નિયંત્રણની ખૂબ જ ખોટ સાલશે, જ્યારે પેટ કમિન્સની ગેરહાજરીનો અર્થ એ થશે કે ઓસ્ટ્રેલિયાને એક તેજસ્વી કેપ્ટન, એક ઉત્તમ બોલર અને એક ઉપયોગી બેટર ટીમને જરૂર પડ્યે મદદ માટે ઉપલબ્ધ હશે નહી. હેઝલવૂડ અને કમિન્સે મળીને વનડે ક્રિકેટમાં કુલ 281 વિકેટ લીધી છે. કમિન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની વર્તમાન ટીમ: એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા