IPL 2025 પહેલા મોટા સમાચાર: CSK ધોનીને રિટેન કરવા તૈયાર, પણ પૈસા મામલે આપ્યો ઝટકો
CSK Will Retain MS Dhoni: આઇપીએલ ઓક્શન (IPL Auction) 2025 પહેલાં ચેન્નઇ સુપર કિંગ્સ અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, આઇપીએલ 2025 માટે ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે) મહેન્દ્ર સિંહ ધોનીને રિટેન કરશે, પરંતુ સીએસકે ધોનીને ઓછામાં ઓછા રૂપિયામાં રિટેન કરશે. હકિકતમાં, જો ધોનીને ઓછા રૂપિયામાં રિટેન કરવામાં આવે તો સીએસકે ઓક્શનમાં વધુ રૂપિયા ખર્ચી શકે છે અને ટીમમાં અન્ય સારા ખેલાડીઓને સામેલ કરી શકે છે. નોંધનીય છે કે, આઇપીએલ 2025 માટે સીએસકેએ ધોની ઉપરાંત કેટલાક અન્ય દિગ્ગજ ભારતીય ક્રિકેટરોને પણ રિટેન કરવાની તૈયારી દર્શાવી છે.
સીએસકે આ ખેલાડીઓને કરી શકે રિટેન
ક્રિકેટ જગતના નિષ્ણાતો મુજબ, આ વર્ષના અંત સુધી બીસીસીઆઇ રિટેનશન પોલિસી જાહેર કરશે. જે પછી સીએસકે સહિત અન્ય ટીમો ઓક્શનમાં જશે. મીડિયા અહેવાલ મુજબ, સીએસકે તેના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબેને પણ રિટેન કરશે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી, પરંતુ એવુ માનવામાં આવી રહ્યું છે કે ચેન્નઇ સુપર કિંગ્સ કોઇ પણ સ્થિતિમાં ધોનીને રિટેન કરશે.
આઇપીએલના સૌથી સફળ કેપ્ટનની યાદીમાં સામેલ
જણાવી દઇએ કે, એમ એસ ધોની આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે. ધોનીની આગેવાનીમાં સીએસકે રેકોર્ડ પાંચ વાર આઇપીએલ ટાઇટલ જીત્યું છે. જેમાં 2010, 2011, 2018, 2021 અને 2023ના આઇપીએલ ટૂર્નામેન્ટ સામેલ છે. જો કે, હવે તે સીએસકેની કેપ્ટનશીપ છોડી ચૂક્યો છે અને તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ધોની સિવાય રોહિત શર્માની આગેવાનીમાં મુંબઇ ઇન્ડિયન્સ પાંચ વાર ટાઇટલ જીત્યું છે.