IPL 2024: શું ધોની આજે ચેન્નઈમાં તેની છેલ્લી IPL મેચ રમશે? જાણો કઈ ટીમ સામે થશે ટક્કર
CSK vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં કોલકતા (Kolkata)ની ટીમે પ્લેઓફમાં જગ્યા પાકી કરી લીધી છે અને હવે બાકીના ત્રણ સ્થાન માટે સાત ટીમો વચ્ચે ખરાખરીનો જંગ છે. ત્યારે આજે ચેન્નઈના અને ખાસ કરીને ધોનીના ચાહકો માટે 12 મે એટલે કે આજનો દિવસ યાદગાર બની શકે છે. દિવસની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)નો સામનો રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સાથે થશે. આ મેચમાં ચાહકોની નજર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ. એસ. ધોની (MS Dhoni) પર રહેશે. કારણકે આ મેચ સંભવિત ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે.
ધોનીએ વર્ષો પહેલા એક ઈચ્છા વ્યક્ત કરી હતી
મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા વર્ષો પહેલા એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે ચેન્નઈના મેદાન પર CSKના પ્રશંસકોની સામે તેની છેલ્લી IPL મેચ રમવા માંગે છે, હવે જો માહી આમ નહીં કરે તો તેના ચાહકો સાથે અન્યાય થશે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રાજસ્થાન રોયલ્સ સામેની આજની મેચ ચેન્નઈના મેદાન પર ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. નોંધનીય છે કે છેલ્લી મેચમાં CSKની હાર થઈ હતી.
ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી
ચેન્નઈની આ હાર સાથે જ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા ધૂંધળી થઈ ગઈ છે. CSK 12 માંથી 6 મેચ જીતીને IPL 2024 પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. અન હવે ટીમને 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે, જો ટીમ આગામી બે મેચમાંથી એક પણ હારી જશે તો ટીમના 14 પોઈન્ટ જ રહી જશે, આવી સ્થિતિમાં તે પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. આ પછી ચેન્નઈને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. આ રીતે જોઈએ તો જો CSK પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ જશે તો ચેન્નઈમાં ધોનીની આ છેલ્લી મેચ હોઈ શકે છે.
જો કે ફેન્સને બે વાર ધોનીની ઝલક જોવા મળી શકે છે
તો બીજી બાજુ, જો ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે, તો ધોનીના ચાહકોને એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં એક નહીં પરંતુ બે વાર ધોનીની ઝલક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈના આ મેદાનને આઈપીએલ 2024ની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચની યજમાની મળી છે. જો કે, આ બે નોકઆઉટ મેચ રમવા માટે, CSKને પહેલા પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું પડશે.