IPL 2025: ધોનીની વિસ્ફોટક બેટિંગ એળે ગઈ, 17 વર્ષ બાદ RCBએ CSKને 50 રને હરાવ્યું, રજત પાટીદાર મેચનો હીરો
IPL 2025: આઈપીએલ 2025ની આઠમી મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાઈ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ચેન્નાઈ સુપર કિંગ્સને 50 રને હરાવ્યું છે. આ મેચમાં બેંગલુરૂએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર માત્ર 146 રન જ બનાવી શકી હતી. IPL 2025માં ચેન્નાઈની આ અત્યાર સુધીની પહેલી હાર છે, આ પહેલા તેઓ મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટથી જીત્યા હતા. 2008 પછી આ પહેલીવાર છે જ્યારે બેંગલુરૂએ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈને હરાવ્યું છે.
17 વર્ષ પછી બેંગલુરૂને જીત મળી
ચેપોક સ્ટેડિયમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ગઢ છે અને અહીં બેંગલુરૂએ છેલ્લે 2008માં ચેન્નાઈને હરાવ્યું હતું. તે મેચમાં બેંગલુરુએ ચેન્નાઈ પર 14 રને જીત મેળવી હતી. ત્યારબાદ ચેપોક મેદાન પર બંને ટીમો 8 વખત એકબીજા સામે ટકરાઈ, જેમાં દરેક વખતે ચેન્નાઈ સુપર કિંગ્સનો વિજય થયો. હવે આખરે બેંગલુરૂએ ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સામે સતત 8 હારનો સિલસિલો સમાપ્ત કરી દીધો છે અને રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ આ શક્ય બન્યું છે.
બેંગલુરૂની સતત બીજી જીત
આ IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો સતત બીજો વિજય છે. આ પહેલા, બેંગલુરૂએ ટુર્નામેન્ટની પોતાની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પોઈન્ટ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. બંને મેચ જીતીને RCB હવે ટેબલ ટોપર છે.
ચેન્નાઈના બોલરો કામ ન આવ્યા
ચેન્નાઈ સુપર કિંગ્સની હારનો પાયો ત્યારે નખાયો જ્યારે ટીમના સ્પિન બોલરો બોલિંગ દરમિયાન ખૂબ મોંઘા સાબિત થયા. એક તરફ, રવિચંદ્રન અશ્વિને 2 ઓવરમાં 22 રન આપ્યા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 37 રન આપ્યા અને કોઈ વિકેટ લઈ શક્યો નહીં. નૂર અહેમદે 3 વિકેટ લીધી, પરંતુ તેણે 9 ના ઇકોનોમી રેટથી રન પણ આપ્યા.
ધોનીની વિસ્ફોટક બેટિંગ એળે ગઈ
ચેન્નાઈ ટીમના રચિન રવિન્દ્રએ 41 રન, એમએસ ધોનીએ 30 અને રવિન્દ્ર જાડેજાએ 25 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ ખેલાડી 20થી વધુ રન બનાવી શક્યો ન હતો. બીજી તરફ બેંગલુરૂ ટીમના રજત પાટીદારે સૌથી વધુ 51, ફિલ સાલ્ટે 32, વિરાટ કોહલી 31, દેવદુત પડીક્કલ 27 અને ટીમ ડેવિડે 22 રન બનાવ્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ચેન્નઈ સુપર કિંગ્સની પ્લેઇંગ-11: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, સેમ કરન, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, ખલીલ અહેમદ અને મથીશ પથિરાના.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્લેઇંગ-11: રજત પાટીદાર (કેપ્ટન), ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, યશ દયાલ.