'કોહલી ખુદને રોનાલ્ડો સમજે છે, પરંતુ છે નહીં', યુવરાજ સિંહનો વિરાટને લઈને મોટો ખુલાસો
ફૂટબોલમાં મારી અને વિરાટની ખૂબ લડાઈ થઈ છે : યુવરાજ
તેઓ શાનદાર બેટ્સમેન છે અને ફુટબોલરમાં સારો હું છું : યુવરાજ
ભારતના પૂર્વ ખેલાડી યુવરાજસિંહ હાલમાં જ પોતાના નિવેદનના કારણે ચર્ચામાં છે. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે પોતાની મિત્રતાને લઈને આપેલા નિવેદન બાદ હવે તેમણે વિરાટ કોહલી અંગે મોટો ખુલાસો કર્યો છે. યુવરાજે કોહલીની મજા લેતા કહ્યું કે, 'તેઓ ખુદને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સમજે છે, પરંતુ તે છે નહીં.' યુવરાજ અને કોહલી બંને ભારત માટે એક સાથે રમી ચૂક્યા છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમમાં પણ બંને કેટલી સીઝનમાં સાથે હતા.
જ્યાં યુવરાજે 2019માં પોતાના ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું, ત્યારે કોહલી ટીમનો ભાગ બનેલા છે. આ બંને ફેમસ ક્રિકેટર હોવાની સાથો-સાથ ફૂટબોલના પણ સારા ખેલાડી છે અને યુવરાજનું માનવું છે કે, તેઓ આ રમતમાં કોહલીથી સારું રમે છે.
કોહલી, નેહરા અને સહેવાગ સાથે થાય છે લડાઈ
યુવરાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ફૂટબોલમાં મારી અને વિરાટની ખૂબ લડાઈ થઈ છે. મારી આશીષ નેહરા અને વિરેન્દ્ર સહેવાગ સાથે પણ ફુટબોલમાં લડાઈ થઈ છે. જ્યારે યુવરાજને પૂછવામાં આવ્યું કે, કોહલી સારા ફુટબોલર છે, તો તેમણે કહ્યું કે, વિરાટને એવું લાગે છે કે તેમની પાસે ક્ષમતા છે, પરંતુ મારા અંદર તેનાથી વધુ છે. તેઓ શાનદાર બેટ્સમેન છે અને ફુટબોલરમાં સારો હું છું. વિરાટ વિચારે છે કે, તેઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, પરંતુ તેઓ છે નહીં. ક્રિકેટમાં તેઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે.
વધુમાં યુવરાજે કહ્યું કે, તેઓ કોહલીને વધુ હેરાન નથી કરતા, કારણ કે તેઓ ખુબ વ્યસ્ત છે. યુવા વિરાટ કોહલીનું નામ ચીકુ હતું. આજે ચીકુ વિરાટ કોહલી છે, જેમાં એક મોટું અંતર છે.