સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો... બેટથી કાર પર હુમલો, ક્રિકેટરના મિત્રને આપી ધમકી
પૃથ્વી શૉએ બીજીવાર સેલ્ફીની ના પાડતા મેનેજરે બે લોકોને હોટલમાંથી બહાર કાઢ્યા
ફરિયાદીએ કહ્યું, કારના કાચ તોડ્યા, એક સફેદ કલરની કાર, 3 બાઈકોએ અમારો પીછો કર્યો
મુંબઈ, તા.16 ફેબ્રુઆરી-2023, ગુરુવાર
મુંબઈમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી લેવા મામલે રકઝક થયાની ઘટના સામે આવી છે. સેલ્ફી લેવા ગયેલા બે લોકોએ પૃથ્વી શૉના મિત્ર (આશીષ યાદવ)ની કાર પર હુમલો કર્યો છે. આ ઘટના બાદ આશીષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પોલીસે તપાસ હાથ ધરી છે.
બે આરોપીઓએ પૃથ્વી શૉની કારનો પીછો કર્યો
મુંબઈના સહારા હોટલમાં ક્રિકેટર પૃથ્વી શૉ સાથે સેલ્ફી પડાવવા આરોપી સના ગિલ અને શોબિત ઠાકુર પૃથ્વી પાસે પહોંચ્યા હતા. આશીષ યાદવે પોલીસને આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, બંને આરોપીઓએ પૃથ્વી શૉ સાથે સેલ્ફી લીધી હતી, ત્યાર બાદ બંનેએ ફરી સેલ્ફી લેવા માટે ક્રિકેટરને કહ્યું હતું, જે માટે પૃથ્વીએ ઈન્કાર કરી દીધો હતો. પૃથ્વી શોએ ઈન્કાર કર્યા બાદ હોટલના મેનેજરે બંને આરોપીઓને હોટલમાંથી બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ આ વાત બાદ ગુસ્સે ભરાયેલા આરોપીએ થોડીવાર બાદ હોટલમાંથી બહાર નિકળેલા પૃથ્વીની કારનો પીછો કર્યો હતો.
આરોપીઓએ કાર રોકી બેટથી હુમલો કર્યો
આશીષ યાદવે જણાવ્યું કે, પૃથ્વી શૉની કાર જ્યારો જોગેશ્વરી લિંક રોડ લોટ્સના પેટ્રોલ પંપ પાસે પહોંચી હતી, ત્યારે તે સમયે આરોપીઓએ પૃથ્વીના કારને સામેથી રોકી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ બેટથી કારના કાચ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કારમાં ક્રિકેટ પૃથ્વી શૉ પણ હતો. કારમાં આશીષ યાદવ, ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તી પણ હતો. પૃથ્વી હોટલથી કોઈ વાહનમાં બેસી ઘરે જવા રવાના થયો હતો. આશીષ યાદવે કહ્યું કે, કારનો કાચ તોડ્યા બાદ અમે જોયું કે, એક સફેદ કલરની કાર અને ત્રણ બાઈકો અમારો પીછો કરી રહ્યા છે.
રૂ.50 હજારની પણ માંગ કરી
આશીષે આરોપ લગાવતા કહ્યું કે, આરોપીઓએ પૃથ્વીના મિત્રને ધમકી પણ આપી હતી. જો કેસનો દબાવવો હોય તો 50 હજાર રૂપિયા આપ, નહીં તો ખોટા કેસમાં તને ફસાવી દઈશું. આ ઘટના બાદ પૃથ્વીનો મિત્ર કાર લઈને ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને તેણે સના ગિલ અને શોબિત ઠાકુર વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, કલમ 384,143, 148,149, 427,504, અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.