ક્રિકેટના નિયમ બદલાયા, ફિલ્ડિંગ ટીમને મોટું નુકસાન, મેદાન પર ઈજા થશે તો મળશે આટલો સમય
થર્ડ અમ્પાયર ફ્રન્ટ ફૂટ ઉપરાંત તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલની તપાસ કરશે
Image: File Photo |
Cricket Rule Change : નવા વર્ષમાં ક્રિકેટના કેટલાંક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ICCએ એક એવા નિયમમાં ફેરફાર કર્યો છે જેનો ખેલાડીઓ અયોગ્ય લાભ લેતા હતા. હવે જો સ્ટમ્પિંગ માટે અપીલ થાય અને ફિલ્ડ અમ્પાયર તેને થર્ડ અમ્પાયર પાસે મોકલે, તો માત્ર સાઇડ-ઓન રિપ્લે જ જોવામાં આવશે. કોટ બિહાઇન્ડ એટલે કે વિકેટકીપર દ્વારા કરવામાં આવ્યો કેચ તપાસવામાં આવશે નહીં.
કનકશનના નિયમોમાં પણ ફેરફાર
મળેલા અહેવાલો મુજબ ઘણીવાર એવું બનતું હતું કે સ્ટમ્પિંગ માટે અપીલ કરવામાં આવતી તો ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ માટે પણ રિવ્યુ મળી જતો હતો. જેથી ફિલ્ડીંગ ટીમને બેટ્સમેનની વિકેટ રિવ્યુ લીધા વગર જ મળી જતી હતી. કનકશનના નિયમોમાં પણ ફેરફાર થયો છે. જો ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સ્ટમ્પિંગના નિયમોમાં ફેરફાર
ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ઘરેલું સીરિઝ દરમિયાન ઘણી વખત એવું બન્યું જયારે સ્ટમ્પ પાછળ એલેક્સ કેરી સાથે ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટમ્પિંગ માટે અપીલ કરી હતી. જેના પરિણામે DRSના ઉપયોગ વિના કોટ બિહાઇન્ડ પણ ચેક કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફિલ્ડીંગ ટીમને કોટ બિહાઇન્ડ ચેક કરવા માટે રિવ્યુ લેવાની આવશ્યકતા પડશે, કારણ કે સ્ટમ્પિંગની અપીલ પર માત્ર સાઈડ-ઓન કેમેરાથી રિપ્લે દેખાડવામાં આવશે.
ખેલાડીની ઈજાના ઓન-ફિલ્ડ એસેસમેન્ટ અથવા સારવાર માટે વધુમાં વધુ ચાર મિનિટ આપવામાં આવશે
12 ડિસેમ્બર 2023ના રોજથી નિયમોમાં થયેલા આ ફેરફારો લાગુ થયા હતા. હવે થર્ડ અમ્પાયર ફ્રન્ટ ફૂટ ઉપરાંત તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલની તપાસ કરશે. મેદાન પર ખેલાડીના ઈજાગ્રસ્ત થવા પર તેની ઈજા અને સારવાર માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. ખેલાડીની ઈજાના ઓન-ફિલ્ડ એસેસમેન્ટ અથવા સારવાર માટે વધુમાં વધુ ચાર મિનિટ આપવામાં આવશે.