ક્રિકેટ મહા મુકાબલો- ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના અને દુવાઓનો દોર શરુ
ન્યુઝીલેન્ડને પરાજય આપ્યા પછી ટીમ ઇન્ડિયા જોશમાં છે.
ભારત વિશ્વકપ સ્પર્ધા ૨૦૨૩માં એક પણ મેચ હાર્યુ નથી
અમદાવાદ,૧૮ નવેમ્બર,૨૦૨૩, શનિવાર
રવીવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વિશ્વકપનો ફાઇનલ મુકાબલો છે. આ ફાઇનલ મેચને લઇને ક્રિકેટ ચાહકોમાં રોમાંચ જોવા મળી રહયો છે. ક્રિકેટ ચાહકો જ નહી સામાન્ય લોકો પણ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતની ટીમ વિશ્વકપ વિજેતા બને તેવી કામના કરી રહયા છે. દેશ ભરમાં હવન યજ્ઞા અને પ્રાર્થનાઓનો દોર પણ શરુ થયો છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કિન્નર સમુદાયે ભારતની જીત માટે વિશેષ પ્રાર્થના અને પૂજા કરી હતી. આ અંગેની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
કિન્નર સમુદાયના લોકો હાથમાં આરતીની થાળી અને શંખ ફુંકીને ભારતની જીત માટે કામના કરી રહયા છે જયારે કેટલાકના હાથમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો ફોટો છે. વાયરલ થઇ રહેલા ફોટોની લોકો પ્રશંસા કરવા લાગ્યા છે. લોકો કોમેન્ટ કરી રહયા છે. હવે તો સૌ ઇચ્છે છે કે ફાઇનલ મેચ ભારત જ જીતશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૨૦૦૩માં વિશ્વકપ મેચનો ફાઇનલ મુકાબલો રમાયો હતો જેમાં ભારતે પરાજય સહન કરવો પડયો હતો.
૨૦ વર્ષ પછી આ પરાજયનો બદલો લેવાની તક ઉભી થઇ છે. ભારતની ટીમ ૨૦૨૩ ની સ્પર્ધામાં એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. ટીમ ઇન્ડિયાના બેટસમેન અને બોલર્સ ઉત્ત્કૃષ્ટ ફોર્મમાં છે. સેમી ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડની ટીમને પરાજય આપ્યા પછી ટીમ ઇન્ડિયા જોશમાં છે. સેમી ફાઇનલ મુકાબલામાં બેટ્સમેન અને બોલર્સે જે પ્રદર્શન કર્યુ તેનું ફાઇનલ મેચમાં પુનરાવર્તન થાય તેવી ચાહકો દુવા કરી રહયા છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારો મહા મુકાબલો રોમાંચક બને તેવી શકયતા છે.