ચાહકોમાં ક્રિકેટ ફિવર અમદાવાદમાં ભારત પાક. વચ્ચે ખરાખરી !!

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ચાહકોમાં ક્રિકેટ ફિવર અમદાવાદમાં ભારત પાક. વચ્ચે ખરાખરી !! 1 - image


- 1.30 લાખ પ્રેક્ષકોની હાજરીમાં મેચ રમાશે: અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત

- બપોરે 2-00થી મેચનો પ્રારંભ: રંગારંગ કાર્યક્રમ અને સેલીબ્રીટીઓની હાજરીનું આકર્ષણ, રોહિત શર્મા, કોહલી, બુમરાહ અને કુલદીપ સામે આઝમ, રીઝવાન, શકીલ અને આફ્રીદીની ટક્કર

અમદાવાદ : જેનો ક્રિકેટ ચાહકોને લાંબા સમયથી ઇંતેજાર હતો તેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપની મેચ આવતીકાલે બપોરે બેથી વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ૧.૩૦ લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં આ મેચ રમાનાર છે અને પ્રેક્ષકો દેશ- વિદેશથી ખાસ આ મેચ જોવા આવ્યા છે અને તેમાંના ઘણાએ ટિકિટની મૂળ કિંમત કરતા પાંચથી દસ ગણા ભાવે ટિકિટ ખરીદી છે.

મેચ અગાઉ બપોરે ૧૨.૩૦થી ફિલ્મ દુનિયાના લોકપ્રિય ગાયક શંકર મહાદેવન અને સુખવિંદરસિંઘ પર્ફોર્મ કરશે.

આ મેચ જોવા અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, રજનીકાંત સહિતની ૫૦થી વધુ સેલિબ્રિટી અને કોર્પોરેટ હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પોલીસ અને મુખ્યત્વે અમદાવાદ પોલીસે આટલો મોટો બંદોબસ્ત અગાઉ નથી કર્યો કેમ કે ૧.૩૦ લાખ પ્રેક્ષકો મેચ જોવા આવે ત્યારે તેમનો ટ્રાફિક, તેમનું ચેકિંગ, વાહનોનું ચેકિંગ અને કાળા બજાર, ડુપ્લીકેટ ટિકિટ જેવા પડકારો તો છે જ પણ ખાલીસ્તાનના કેનેડા સ્થિત ઉગ્રવાદી પન્નુએ વર્લ્ડ કપને ટેરર કપમાં ફેરવવાની ધમકી આપી હોઈ પોલીસ અને અન્ય કેન્દ્રીય એજન્સી પણ સલામતી વ્યવસ્થામાં સાથ આપી રહી છે.

ક્રિકેટના મેદાન પરના દેખાવ પર નજર નાખીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઇતિહાસમાં સાત વખત મુકાબલા થયા છે જેમાં સાતેય વખત ભારત જીત્યું છે.હવે ભારત આ વિજયકૂચ આગળ જારી રાખવાના અને પાકિસ્તાન તેને થંભાવવાના ઇરાદા સાથે ઉતરશે. બંને ટીમોએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રારંભ કરતા તેમની બંને મેચ જીતી લીધી છે ભારતે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પરાજય આપીને શુભારંભ કર્યો હતો તે પછી ભારતે અફઘાનિસ્તાનને પરાજય આપ્યો જેમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી.

પાકિસ્તાને નેધરલેન્ડસ અને શ્રીલંકાને હરાવ્યું છે. જેમાં મોહમ્મદ રીઝવાને સદી ફટકારી હતી.

ટીમના બંધારણની રીતે જોઈએ તો ભારતની ટીમ તુલનાત્મક રીતે અનુભવી અને ખેલાડીઓની રીતે ચઢિયાતી છે. ભારતની ભૂમિ પર અને પ્રેક્ષકોના જોરદાર સમર્થન સાથે મેચ રમાશે તે પણ ફાયદો હશે.

ભારત પાસે રોહિત શર્મા અને કોહલી જેવા વર્તમાન વિશ્વના શ્રેષ્ઠ બેટસમેન છે રાહુલ પણ અનુભવી અને ફોર્મમાં છે. શ્રેયસ ઐયર પણ પ્રતિભા પુરવાર કરી ચૂક્યો છે. તેવી જ રીતે હાર્દિક પંડયા જેવો ઓલરાઉન્ડર પણ પાકિસ્તાન પાસે નથી પાકિસ્તાનની બોલિંગ શાહીન આફ્રિદી પર નિર્ભર છે. ત્યારે ભારત પાસે બુમરાહ અને સિરાજ કે શમી છે. સ્પિનરો તો વર્લ્ડ કપની કોઈ ટીમ પાસે ન હોય તેવો ભારત પાસે વૈભવ છે. જાડેજા અને કુલદીપ યાદવ નિશ્ચિત છે અશ્વિન કે શાર્દુલ ઠાકુર તે પીચની કંડિશન જોઈને નિર્ણય લેવાશે.

પાકિસ્તાનનો આમ તો સ્ટાર બેટ્સમેન કેપ્ટન બાબર આઝમ છે પણ તે ફોર્મમાં નથી ત્યારે મોહમ્મદ રીઝવાન ભયજનક ફોર્મમાં છે. બાબર આઝમ, રીઝવાન, ઇફ્તિખાર અહેમદ અને ઓનપરો તો ડેન્જરસ છે જ સાઉદ શકિબ એક પ્રતિભા તરીકે નિખાર પામ્યો છે.

બોલિંગમાં આફ્રિદી, હસન અલી, રઉફ અને સ્પિનરમાં શાદાબ અને એહમદ છે. ભારતની શરૂની વિકેટ સાવ સસ્તામાં પડે તો પણ તેઓ ડેપ્થ ધરાવે છે પાકિસ્તાન જે તે દિવસે વિશ્વની કોઈ પણ ટીમને હરાવી શકે તેવી અકળ છે. અપવાદરૂપમાં ભારત પાકિસ્તાન ૧૨ વર્ષ પછી રમે છે.


Google NewsGoogle News