T20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની પહેલી મેચમાં જ વિવાદ! રન આઉટ છતાં નોટઆઉટ આપ્યો, જાણો શું છે ડેડ બોલનો નિયમ?
Women's T20 World Cup 2024 : મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની મેચમાં 'ડેડ બોલ'ને લઈને ઘણો વિવાદ થયો હતો. 4 ઑક્ટોબરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
અમ્પાયરોએ રનઆઉટને નકારી દીધો
હકીકતમાં ન્યૂઝીલૅન્ડની ઇનિંગ દરમિયાન એમેલિયા કેર 14મી ઓવરના છેલ્લા બોલ પર બીજો રન દોડવાનો પ્રયાસ કરતી વખતે રનઆઉટ થઈ ગઈ હતી. આ પછી એમેલિયા પેવેલિયન તરફ જઈ રહી હતી અને ભારતીય ટીમે જશ્ન મનાવવાનું શરુ કરી દીધું હતું. પરંતુ ભારતીય મહિલા ટીમની આ ઉજવણી થોડા સમય માટે જ ચાલી હતી. કારણ કે અમ્પાયરોએ આ રનઆઉટને નકારી દીધો હતો. તેમણે બેટર એમેલિયાને પાછી બોલાવી હતી. અમ્પાયરોએ પણ તે બોલને 'ડેડ બોલ' જાહેર કર્યો હતો.
અમ્પાયરોનું માનવું હતું કે, બોલ લોંગ ઑફ પર ઊભેલી હરમનપ્રીત કૌરના હાથમાં હતો ત્યારે તેણે ઓવર ખતમ થઈ ગઈ હોવાની જાહેર કરી દીધી હતી. આ સ્થિતિમાં તેને આઉટ જાહેર કરવામાં આવશે નહીં. ત્યારબાદ જ બેટર બીજો રન કરવા માટે દોડી હતી. આ ઘટનાને લઈને ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌર અમ્પાયરો પર ગુસ્સે થઈ ગઈ હતી અને લાંબા સમય સુધી તેણે આ નિર્ણય અંગે તેમની સાથે ચર્ચા કરી હતી. ભારતીય કોચ અમોલ મજુમદાર પણ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરતાં જોવા મળ્યા હતા.
આ સ્થિતિમાં ચાલો જાણીએ કે સન 1787માં સ્થપાયેલી ક્રિકેટ નિયમ બનાવતી સંસ્થા MCC (મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ)ના ડેડ બોલ અંગેના નિયમો શું છે.
MCC નિયમ 20.1.2 - બોલને 'ડેડ' ત્યારે ગણવામાં આવે છે જ્યારે બોલરના છેડે ઊભેલા અમ્પાયરને સ્પષ્ટ હોય કે ફિલ્ડિંગ ટીમ અને વિકેટ પરના બન્ને બેટર આ રમતને માનવાનું જ બંધ કરી દીધું છે.
MCC નિયમ 20.2 - બોલ આખરે પ્લેયિંગ સ્થિતિમાં છે કે નહીં તેનો નિર્ણય અમ્પાયરે કરવાનો હોય છે.
MCC નિયમ 20.3 - આ નિયમ કોલ ઑફ ઓવર અને સમયને લગતો છે. જેમાં ન તો ઓવરની ઘોષણા (નિયમ 20.1) અને ન તો સમયની ઘોષણા(નિયમ12.2) ત્યાં સુધી કરવી ન જોઈએ જ્યાં સુધી બોલ ડેડ ના થઈ જાય. અથવા તેને નિયમ 20.1 અથવા 20.4 હેઠળ જોવું જોઈએ.
MCC નિયમ 20.4.1- આ નિયમ અમ્પાયર કોલ અને ડેડ બોલના સિગ્નલને સંબંધિત છે. આમાં જણાવવામાં આવ્યું છે કે નિયમ 20.1 હેઠળ બોલ ડેડ ત્યારે થઈ જાય છે જ્યારે બોલિંગ એન્ડ પરના અમ્પાયરને ખેલાડીઓને તેના વિશે જાણ કરવી જરૂરી હોય તો ડેડ બોલનો સંકેત આપી શકે છે.
ભારતીય ટીમ 102 રનમાં જ સમેટાઈ ગઈ
આ મેચમાં અમ્પાયરો સ્પષ્ટ હતા કે, જ્યારે ન્યૂઝીલૅન્ડની બેટર બીજો રન લઈ રહી હતી ત્યારે બોલ ડેડ થઈ ચૂક્યો હતો. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ચાહકોએ કહ્યું કે, સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે ન્યૂઝીલૅન્ડની બેટર બીજો વધારાનો રન કરવા માટે દોડી હતી. જો કે એમેલિયા કેર લાંબા સમય સુધી મેદાન પર ટકી શકી ન હતી, અને બીજી જ ઓવરમાં 13 બોલમાં 22 રન બનાવીને રેણુકા સિંહની બોલિંગ પર આઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ 161 રનના લક્ષ્યનો પીછો કરતાં 102 રનમાં જ સમેટાઈ ગઈ હતી.
જેમિમા રોડ્રિગ્સે આપી પ્રતિક્રિયા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર જેમિમા રોડ્રિગ્સે આ વિવાદાસ્પદ રન આઉટના નિર્ણય પર પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે. ભારતીય ખેલાડીઓએ બોલને ડેડ જાહેર કરવાના અમ્પાયરોના નિર્ણયનું સન્માન કર્યુ, પરંતુ આ નિર્ણય ઘણો કઠોર હતો.