સંજુ સેમસનની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી ન થતાં દિગ્ગજ રાજનેતા કેરળ ક્રિકેટ સંઘ પર બગડ્યાં
Champions Trophy: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત શનિવારે (18 જાન્યુઆરી) કરી દેવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન હશે. જોકે, શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં વિકેટકીપર બેટર તરીકે કેએલ રાહુલ અને ઋષભ પંતને જગ્યા મળી છે. પરંતુ, સંજુને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. કારણ કે, સંજુનું નામ 15 સભ્યોની ટીમમાં સામેલ નથી.
સંજુ સેમસનને બહાર રાખવાથી શશિ થરૂર નારાજ
સંજુ સેમસનનું ભારતીય ટીમમાં નામ ન હોવાના કારણે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર રોષે ભરાયા હતાં. થરૂરે આ માટે કેરળ ક્રિકેટ સંઘ (KCA) ને જવાબદાર ગણાવ્યું છે. નોંધનીય છે કે, સંજુનો કેસીએ સાથે કથિત રીતે વિવાદ થયો હતો. હકીકતમાં, સંજુએ વિજય હજારે ટ્રોફી 2024-25 ની શરૂઆત પહેલાં કેરળ ટીમના પ્રેક્ટિસ કેમ્પને જોઇન કર્યું નહોતું. જેના કારણે વિજય હજારે ટ્રોફી માટે કેરળ ટીમમાં તેને સ્થાન અપાયું નહોતું. તેથી, હવે એવી ચર્ચા થઈ રહી છે કે, આ વિવાદના કારણે જ સંજુને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની બહાર રાખવામાં આવ્યો છે.
શશિ થરૂરે X પર લખ્યું, 'કેરળ ક્રિકેટ એસોસિએશન અને સંજુ સેમસનની દુઃખદ કહાની. ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની વચ્ચે પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ નહતો લીધો. જેના માટે તેણે કેસીએને પહેલાં જ પત્ર લખ્યો હતો. પરંતુ, તેને તુરંત ટીમની બહાર કરી દેવામાં આવ્યો. જેનાથી પરિણામસ્વરૂપ હવે સંજુને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. એક બેટર જેનો વિજય સ્ટોરીમાં બેસ્ટ સ્કોર 212 છે, જેની ભારત માટે વનડે મેચમાં સરેરાશ 56.66 (તેમાં સાઉથ આફ્રિકા સામે પોતાની છલ્લી મેચમાં સદી પણ સામેલ) છે. તેની કારકિર્દી ક્રિકેટ પ્રશાસકો માટે અહંકારના કારણે બરબાદ થઈ રહ્યું છે. શું આ કેસીએના માલિકોને પરેશાન નથી કરતું કે, સંજુને બહાર રાખીને તેઓએ સુનિશ્ચિત કરી દીધું કે, કેરળ વિજય હજારે ટ્રોફીના ક્વાર્ટર ફાઇનલ સુધી પણ ન પહોંચી શકે.'
કેસીએ સચિવ વિનોદ એક કુમારે કહ્યું હતું કે, એસોસિએશન નથી ઈચ્છતું કે, સંજુ સેમસનની હાજરી પર અનિશ્ચિતતાના કારણે કોઈ યુવા પોતાની જગ્યા ગુમાવી દે. કહેવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈના ટોપ અધિકારી સેમસનને વિજય હજારે ટ્રોફીથી બહાર રાખવાના નિર્ણયથી ખુશ નહતાં. બીસીસીઆઈએ સ્પષ્ટ રૂપે કહ્યું કે, ભારતીય ચીમમાં સિલેક્શનનો આધાર ડોમેસ્ટિક ક્રિકેટ રહેશે. એવામાં ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટ નિશ્ચિત રૂપે રમવું જોઈએ.
શાનદાર ફોર્મમાં છે સંજુ સેમસન
સંજુ સેમસન છેલ્લાં ઘણાં સમયથી શાનદાર ફોર્મમાં છે અને તેણે પોતાની છેલ્લી પાંચ T20 ઇનિંગમાંથી ત્રણમાં સદી ફટકારી છે. સંજુએ ડિસેમ્બર 2023માં સાઉથ આફ્રિકા સામે પોતાની છેલ્લી વનડે મેચમાં સદી લગાવી હતી, 30 વર્ષીય સંજુએ ભારત માટે 16 વનડે મેચમાં 56.66ની સરેરાશથી 510 રન બનાવ્યા છે. તેણે હજુ સુધી પોતાના ઓડીઆઈ કારકિર્દીમાં એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
શશિ થરૂર એવા કોંગ્રેસી નેતાઓમાં સામેલ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 2006માં થરૂરે સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસચિવની ચૂંટણી લડી હતી, પરંતુ જીતી નહતા શક્યાં. ત્યારબાદ તેઓએ ભારતીય રાજકારણ પગ મૂકતા કોંગ્રેસનું સભ્યપદ મેળવ્યું. થરૂરે વર્ષ 2009માં તિરૂવનંતપુરમથી પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ત્યારબાદ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ થરૂર આ બેઠક પર વિજયી રહ્યા હતાં. 2009માં મનમોહન સિંહના બીજા કાર્યકાળમાં શશિ થરૂર કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતાં. ત્યારબાદ 2012-14 સુધી માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી પણ રહ્યાં.
ચેમ્પિયન્સ ટ્રોફીના 15 સભ્યની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મહોમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગટન સુંદર.