Get The App

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ- 2022માં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

- મીરાબાઈએ નવો ગેમ્સ રેકોર્ડ નોંધાવતા 201 કિગ્રા વજન ઉંચક્યું

- કોમનવેલ્થ ગેમ્સમાં 2018માં પણ ચાનુ ગોલ્ડ જીતી હતી.

Updated: Jul 30th, 2022


Google NewsGoogle News
વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ- 2022માં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો 1 - image

નવી દિલ્હી, તા. ૩૦

મીરાબાઈ ચાનુએ પ્રથમ પ્રયાસમાં જ કુલ મળીને ૧૯૩ કિગ્રા વજન ઉંચકીને ગોલ્ડ નિશ્ચિત કરી લીધો હતો. સ્નેચમાં ૮૪ અને ક્લિન-જર્કમાં ૧૦૯ કિગ્રા વજન ઉંચક્યું હતુ. ત્યાર બાદ તેણે પોતાનો જ રેકોર્ડ સુધારતા બીજા પ્રયાસમાં સ્નેચમાં ૮૮ અને અને ક્લિન જર્કમાં ૧૧૩ એમ કુલ ૨૦૧ કિગ્રા વજન ઉંચકીને નવો ગેમ્સ રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્રીજા પ્રયાસમાં તે સ્નેચમાં ૯૦ તેમજ ક્લિન-જર્કમાં ૧૧૫ કિગ્રા વજન ઉંચકી શકી નહતી, છતાં ૨૦૧ કિગ્રાના શ્રેષ્ઠ દેખાવસાથે ગોલ્ડ જીતી લીધો હતો. મોરેસિઅસની રાનાઈવોસોવ (૭૬ સ્નેચ અને ૯૬ ક્લિન-જર્ક) ૧૭૨ કિગ્રા વજન ઉંચકીને સિલ્વર અને કેનેડાની કામિન્સ્કી (૭૪+૯૭) ૧૭૧ કિગ્રા વજન ઉંચકીને બ્રોન્ઝ જીતી હતી.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવનારી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સૌપ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડન સિદ્ધિ હાંસલ કરતાં ચાર વર્ષ પહેલા જીતેલો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો હતો. ભારતે વેઈટલિફ્ટિંગમાં પ્રભાવશાળી દેખાવ કરતાં એક જ દિવસમાં ત્રણ મેડલ જીતી લીધા હતા.

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સ- 2022માં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો 2 - imageમીરાબાઈના ગોલ્ડ અગાઉ ભારતને બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો સૌપ્રથમ મેડલ સંકેત સરગરે વેઈટલિફ્ટિંગની ૫૫ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં અપાવ્યો હતો. જ્યારે ગત ગેમ્સના સિલ્વર સ્ટાર ગુરુરાજા પુજારીને ૬૧ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.

ભારતે આ સાથે એક જ દિવસમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતીને મેડલટેલિમાં ખાતું ખોલાવ્યું હતુ. ભારતને સાતમો ક્રમ મળ્યો હતો. મેડલ ટેબલમાં ટોચ પર ઓસ્ટ્રેલિયા ૧૦ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે ૧૯ મેડલ જીતીને છે. જ્યારે ન્યુઝીલેન્ડ ૪ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે આઠ મેડલ જીતી બીજા ક્રમે છે.


Google NewsGoogle News