કોમનવેલ્થ 2022માં ભારતનુ ખાતું ખૂલ્યું : ઈજા છતા સંકેત મહાદેવ સરગરે સિલ્વર જીત્યો
અમદાવાદ,તા.30 જુલાઈ 2022,શનિવાર
કોમનવેલ્થ ગેમ્સ 2022ના આજના બીજા દિવસે ભારતનું ખાતું ખૂલ્યું છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ મળ્યો છે.
21 વર્ષીય સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેમણે પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડ્યું છે. તે જ સમયે બીજા પ્રયાસમાં, તેણે વધુ તાકાત બતાવી અને 111 કિલો વજન ઉપાડ્યું હતુ. આ સાથે તેનો ત્રીજો પ્રયાસ પણ ઘણો સફળ રહ્યો હતો અને તેમાં તેણે 112 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. તે સ્નેચમાં નંબર 1 બની ગયો છે.
જોકે ગોલ્ડ મેડલ જીતવા માટે તેમણે ક્લીન એન્ડ જર્કમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી હતુ અને પ્રથમ પ્રયાસમાં 138 કિગ્રાનું વજન લિફ્ટ કરી દાવેદારી પ્રબળ કરી હતીપરંતુ બીજા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતા અને ઈજા પર પહોંચી હતી અને ઈજાને કારણે ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
સામે પક્ષે મલેશિયાના વેઈટ લિફ્ટર બિન કાસદાને 142 કિગ્રાનું વજન સફળતાપૂર્વક ઉપાડીને ગોલ્ડ પોતાના નામે કર્યો છે.
સંકેતના સિલ્વર મેડલ સાથે આ ટૂર્નામેન્ટમાં ભારતના મેડલ ટેબલમાં ખાતું ખૂલ્યું છે. આજના દિવસે ભારત પાસે ગોલ્ડ મેડલ જીતવાની હજી એક તક છે જેમાં પુરુષ 61 કિગ્રા ફાઈનલ કેટેગરીમાં ભારત તરફથી ગુરુરાજા દાવો રજૂ કરશે. આ મેચ 4:15 PMથી શરૂ થશે.