એ રેપ્યુટેશનનો કેદી બની ગયો..', ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અંગે દિગ્ગજનો ચોંકાવનારો દાવો
Aakash Chopra On Abhishek Sharma : ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ચાર મેચની T20 સીરિઝમાં પહેલી મેચ જીતીને 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતે શુક્રવારે ડરબનમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. જેમાં સંજુ સેમસન તોફાની બેટિંગ કરતા 50 બોલમાં 107 કરી સદી ફટકારી હતી.
જો કે, સેમસન સાથે ઓપનર તરીકે આવેલા અભિષેક શર્માએ કંઈ ખાસ બેટિંગ કરી ન હતી. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા અભિષેકે 8 બોલમાં માત્ર 7 રન બનાવીને ચોથી ઓવરમાં આઉટ થઇ ગયો હતો. તેણે 9 T20I મેચમાં 20.75ની સરેરાશથી માત્ર 166 રન બનાવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ અભિષેકના નિરાશાજનક પ્રદર્શનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે.
આકાશે ચોપડાએ કહ્યું હતું કે, 'આ બે ઓપનર્સની વાર્તા છે. એક તરફ સંજુ સેમસન છે. જેનો સિતારો સતત ચમકી રહ્યો છે. તો બીજી તરફ અભિષેક શર્મા છે, જેના સિતારો નીચે છે. જ્યારે અભિષેકે ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી ત્યારે તે નવો ઉભરતો સ્ટાર હતો. પરંતુ ત્યાર પછીથી તે એકદમ નીચે ગયો છે. તે પહેલી T20માં કોએત્ઝી સામે આઉટ થયો હતો. તેણે જે પ્રકારનો શોટ્સ માર્યો તેને જોતા લાગે છે કે જાણે તે પોતાની રેપ્યુટેશનનો કેદી બની ગયો છે. તેણે જે પ્રકારની (આક્રમક બેટિંગ કરવાની) પ્રતિષ્ઠા ઊભી કરી છે. તેમાંથી તે છૂટકારો મેળવી શકતો નથી. તેને લાગે છે કે હું આ રીતે જ રમું છું. તેથી મારે હવે આવું જ રમવું પડશે. આ સ્થિતિમાં તેને વધુ એક નિષ્ફળતા મળી છે.'
અભિષેકને લઈને આકાશે વધુમાં કહ્યું હતું કે, જો તે સતત પ્રભાવ પાડવામાં નિષ્ફળ જશે તો એક સમય આવશે જ્યારે તેના માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે . અભિષેક સાથે તમે કેટલા સમય સુધી જોડાયેલા રહેશો, તેવા પ્રશ્નો પૂછવામાં આવશે. તેને વધુમાં વધુ ત્રણ મેચમાં તક મળશે.
અહીં તમને જણાવી દઈએ કે અભિષેકે જુલાઈ 2024માં ઝિમ્બાબ્વે પ્રવાસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરી 61 બોલમાં 100 રન કર્યા હતા. પરંતુ ત્યારબાદથી તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.