તે રસેલ કે હાર્દિક નથી, આ તો રિંકુ સિંહ સાથે અન્યાય...? ભારતીય દિગ્ગજે પૂછ્યાં તીખાં સવાલ
Aakash Chopra On Rinku singh : ડરબન ખાતે યોજાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પહેલી T20 મેચમાં બેટર રિંકુ સિંહ કંઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. છઠ્ઠા નંબર પર ઉતર્યા બાદ તેણે 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી માત્ર 11 રન બનાવ્યા હતા. રિંકુને 16મી ઓવરમાં સંજુ સેમસનના આઉટ થયા બાદ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેણે 19મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ભારત આ મેચ 61 રનથી જીત ગયું હતું.
પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરાએ રિંકુને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટને તીક્ષ્ણ સવાલ પૂછ્યો છે. તેનું માનવું છે કે રિંકુને છઠ્ઠા નંબર પર મોકલવો અયોગ્ય છે. અહીં તમને જણાવી દઈએ કે રિંકુએ 27 T20I મેચમાં 54.44ની સરેરાશથી 490 રન બનાવ્યા છે. તેણે મોટાભાગે પાંચમાં કે છઠાનંબર પર બેટિંગ કરી છે. તે માત્ર બે વખત નંબર-4 પર બેટિંગ કરવા આવ્યો છે.
રિંકુ સિંહને લઈને આકાશે કહ્યું હતું કે, 'શું આપણે રિંકુ સિંહ સાથે બરાબર કરી રહ્યા છીએ? પહેલા તમે તેમને ટીમમાં રાખો છો. તે તમારી પસંદગીનો ખેલાડી છે. જ્યારે પણ તમે તેને બેટિંગ માટે મોકલ્યો છે ત્યારે તેણે દરેક વખતે રન બનાવ્યા છે. તેણે સારી સ્ટ્રાઇક સાથે રન બનાવ્યા છે. જ્યારે તમને તક મળી ત્યારે (ડરબન T20 મેચ) તમે તેને ચોથા નંબર પર કેમ નથી મોકલતા?
આ પણ વાંચો : એ રેપ્યુટેશનનો કેદી બની ગયો..', ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર અંગે દિગ્ગજનો ચોંકાવનારો દાવો
પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'એવું તો શું છે કે તમે રિંકુને હંમેશા છેલ્લે બેટિંગ કરવા મોકલો છો. હંમેશા 6 નંબર પર જ મોકલો છો. હું આ સવાલ એટલા માટે પૂછું છું કે રિંકુ મેચને સારી રીતે ફિનિશ કરી શકે. પરંતુ તે માત્ર ફિનિશર નથી. આ મારો અભિપ્રાય છે. તે આન્દ્રે રસેલ અને હાર્દિક પંડ્યા નથી. તે સમય સાથે રન બનાવવાનો પ્રયાસ કરે છે.
તેણે આગળ કહ્યું, 'વ્યક્તિગત રીતે મને લાગે છે કે ડરબનની મેચમાં તેણે એક તક આપવાની જરૂર હતી. અહીં તેને ચોથા નંબર પર ઉતારી શકાયો હોત. તેને આખી સીરિઝમાં આ નંબર પર રમાડી શકાય છે. તિલક વર્માને છઠ્ઠા નંબરે મૂકો કારણ કે કોઈને તો છઠ્ઠા નંબર પર જવાનું જ છે. હું એમ નથી કહેતો કે તે સરળ કાર્ય છે. રિંકુ તમારો મૂળ પસંદગીનો ખેલાડી છે. તેથી તમે તેને ચાર પર રાખો. હાર્દિકને તેનાથી નીચે મૂકો. પણ મને લાગે છે કે રિંકુ સાથે કદાચ બધું બરાબર નથી ચાલી રહ્યું. આપણે રિંકુને એટલી તકો નથી આપી રહ્યા જેટલી તેને મળવી જોઈએ.'