વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ થઈ: PM મોદીનું પ્રથમ રિએક્શન સામે આવ્યું

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat and PM Modi


 PM Modi on Vinesh Phogat: ભારત માટે ઓલિમ્પિક 2024માં ગોલ્ડની આશા જગાડનાર વિનેશ ફોગાટ અને સમગ્ર દેશનું સપનું રોળાયું છે. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણે વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જોકે આ ઘટનાક્રમ બાદ વિનેશ ફોગાટને હિંમત આપવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રથમ રિએક્શન સામે આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને વિનેશ ફોગાટને હિંમત ન હારવા અરજ કરી છે. મોદીએ કહ્યું કે વિનેશ તમે તો ચેમ્પિયનોના પણ ચેમ્પિયન છો. તમે ભારતનું ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણાદાયક છો. આજનો આંચકો દુઃખ આપે છે. હું ઈચ્છું છું કે હું જે નિરાશાની લાગણી અનુભવી રહ્યો છું તે શબ્દોમાં વ્યક્ત કરી શકું.

મોદીએ આગળ ટ્વિટમાં લખ્યું કે હું જાણું છું કે તમે સ્થિતિસ્થાપકતાનું પ્રતીક છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂત રહીને પાછા આવો! અમે બધા તમારી સાથે છીએ.

આ બધા વચ્ચે માહિતી મળી રહી છે કે, વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્કવોલિફાઈ કરવામાં આવી હોવાના સમાચાર સાંભળીને વિનેશ ફોગાટ બેહોશ થઈ ગઈ છે અને તેને  પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

વજન વધારે , વિનેશ ડિસ્કવોલિફાઈ :

અત્રે ઉલ્લેખનીય છે કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આ સાથે ભારતના ઓલિમ્પિક અભિયાનને જોરદાર ઝટકો લાગ્યો છે. ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)એ કહ્યું કે આ આઘાતજનક છે કે ભારતીય ટીમ મહિલા કુશ્તી 50 કિગ્રા કેટેગરીથી વિનેશ ફોગટ અયોગ્ય જાહેર થઈ છે. રાતભર ટીમ દ્વારા કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિગ્રાથી થોડોક જ વધારે હતું. રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ મેચમાં ડિસ્ક્વોલિફાઈ જાહેર કરવા બદલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) સમક્ષ ફરિયાદ નોંધાવી છે. 

નિયમ શું કહે છે

યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર જો કોઈ એથલીટ વજન માપવામાં ભાગ નથી લેતો કે અસફળ થાય છે તો તે એથલીટને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને રેન્ક આપ્યા વગર જ છેલ્લા સ્થાને મૂકવામાં આવશે. ભારતીય પ્રતિનિધિમંડળે ફોગાટને વજનના માપદંડોને પૂર્ણ કરવા માટે વધારાના સમય માટે અરજી કરી હતી, પરંતુ આ અરજીને નકારી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: ગોલ્ડ જીતવાની તક ગઇ, હવે ખાલી હાથ, વિનેશ ફોગાટ કેમ થઇ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર, જાણો

ફાઇનલમાં અમેરિકન રેસલર સાથે ટક્કર થવાની હતી

વિનેશની ફાઇનલમાં અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડ સામે ટક્કર થવાની હતી. આ અમેરિકન રેસલરે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી. આ ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. એક જ દિવસમાં ફોગાટે ગઈકાલે ત્રણ ધુરંધરોને ધોબી પછાડ આપીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. જોકે હવે ડિસ્કવોલિફાઈ થતા અંતે સિલ્વર મેડલ પણ ભારતને નહિ મળે અને ફોગાટ અંતિમ ક્રમે જોવા મળશે.

વિનેશ ફોગાટના નામે ઘણાં મેડલ અને રેકોર્ડ્સ

1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા - ગોલ્ડ મેડલ

2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ - ગોલ્ડ મેડલ

3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો - ગોલ્ડ મેડલ

4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક - સિલ્વર મેડલ

5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહાનિસબર્ગ - સિલ્વર મેડલ

6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ

7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન - બ્રોન્ઝ મેડલ

8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન - બ્રોન્ઝ મેડલ

9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક - બ્રોન્ઝ મેડલ

10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી - બ્રોન્ઝ મેડલ


Google NewsGoogle News