ક્રિસ ગેલે મેદાન પર મચાવ્યું તોફાન, છગ્ગા-ચોગ્ગાનો કર્યો વરસાદ, વિશાળ ટારગેટ પણ લાગ્યો નાનો

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
ક્રિસ ગેલે મેદાન પર મચાવ્યું તોફાન, છગ્ગા-ચોગ્ગાનો કર્યો વરસાદ, વિશાળ ટારગેટ પણ લાગ્યો નાનો 1 - image


Image Source: Twitter

WCL 2024, Chris Gayle: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજેન્ડ્સની પિચ પર 7 જુલાઈની સાંજ ખાસ રહી હતી. આનું કારણ એ કે, તેમાં ક્રિસ ગેલ વિસ્ફોટ ઈનિંગ રમ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલો ગેલ WCL 2024માં વેસ્ટ ઈન્ડિઝ તરફથી રમી રહ્યો છે. આવી સ્થિતિમાં રવિવારે સાંજે દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ સામેની મેચમાં તેણે તબાહી મચાવી દીધી હતી. બર્મિંઘમના મેદાન પર તેણે પોતાના નામ પ્રમાણે માત્ર 40 બોલમાં વિસ્ફોટક બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ પાસેથી મળેલો વિશાળ ટાર્ગેટ પણ નાનો પડ્યો. 

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ પર 174 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ રન એશ્વેલ પ્રિન્સ અને ડેન વિલાસની 46 અને 44 રનની અણનમ ઈનિંગને કારણે બનાવ્યા હતા. આ બંને સિવાય રિચર્ડ લુઈસે 20 રની અને જેપી ડ્યુમનીએ 23 રનની ઈનિંગ રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન મોહમ્મદ સૌથી સફળ બોલર રહ્યો હતો અને તેણે 2 વિકેટ ઝડપી હતી. 

વિશાળ ટારગેટ પણ લાગ્યો નાનો

હવે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ સામે 175 રનનો વિશાળ ટાર્ગેટ હતો. ક્રિસ ગેલ અને ડ્વેન સ્મિથની ઓપનિંગ જોડી તેનો પીછો કરવા મેદાનમાં ઉતરી અને પ્રથમ વિકેટ માટે 8.3 ઓવરમાં 65 રન ફટકાર્યા. સ્મિથ 22 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ગેલની રમત ચાલુ રહી હતી. દક્ષિણ આફ્રિકા ચેમ્પિયનના બોલરો સામે તેમણે તોફાન મચાવી દીધુ. ગેલની વિસ્ફોટક બેટિંગનું પરિણામ એ આવ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સ માટે 175 રનનો ટારગેટ નાનો થઈ ગયો અને તેણે 5 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી.

ગેલે 40 બોલની ઈનિંગમાં શું કર્યું?

આ મેચમાં ક્રિસ ગેલે 40 બોલનો સામનો કરીને 70 રન બનાવ્યા હતા. 175ના સ્ટ્રાઈક રેટથી રમાયેલી આ ઈનિંગમાં ગેલએ 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ગેલ આઉટ થયો ત્યાં સુધીમાં તેણે તેનું કામ કરી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝને વધુ રન બનાવવાની જરૂર નહોતી અને 8 વિકેટ ઉપરાંત 7 ઓવર પણ બાકી હતી. પરિણામ એ આવ્યું કે વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સે 6 વિકેટે મેચ જીતી લીધી. તેણે 175 રનનો ટારગેટ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

ગેલ જીતનો હીરો બન્યો

ક્રિસ ગેલને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયન્સને જીત અપાવનારી તેની વિસ્ફોટક ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News