'ચેમ્પિયન્સ ટ્રૉફીમાં મારો રેકૉર્ડ તોડશે કોહલી', પૂર્વ ધુરંધર બેટરે કરી દીધી ભવિષ્યવાણી
Chris Gayle on Virat Kohli : વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ધાકડ બેટર ક્રિસ ગેલનું માનવું છે કે, 'વિરાટ કોહલી ભલે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોય પરંતુ તે હજુ પણ વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી છે.' કોહલી છેલ્લા કેટલાક સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રવિવારે કટકમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં કોહલી ફક્ત પાંચ રન બનાવી શક્યો હતો. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોહલી સાથે રમી ચૂકેલો ગેલ કોહલીના ખરાબ ફોર્મથી ચિંતિત નથી.
શું કહ્યું ક્રિસ ગેલે?
વિરાટ કોહલીને લઈને ક્રિસ ગેલે કહ્યું હતું કે, 'ફોર્મ ભલે ગમે તેવું હોય પરંતુ તે હજુ પણ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટર છે. આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. આપણે બધાં જાણીએ છીએ કે તેણે બધાં જ ફોર્મેટમાં સદીઓ ફટકારી છે. અમે બધા ક્રિકેટરો આવા મુશ્કેલ સમયમાંથી પસાર થઇ ચૂક્યા છીએ. હું જાણું છું કે તે પોતાની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે પરંતુ આવું બનતું રહે છે. તેણે પોતાના પર વિશ્વાસ રાખીને વાપસી કરવી જોઈએ.'
મારો રેકોર્ડ તોડવો કોહલી માટે સરળ - ક્રિસ ગેલ
ગેલને જયારે પૂછવામાં આવ્યું કે શું કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગેલના સૌથી વધારે રન બનાવવાના રેકોર્ડને તોડી નાખશે? તેના જવાબમાં ગેલે કહ્યું કે, 'આ તેના માટે ખૂબ જ સરળ છે. કારણ કે તે આનાથી લગભગ 200 રન જ દુર છે. મને ખબર નથી કે તે કેટલી મેચ રમશે પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે તે 200થી વધુ રન બનાવશે. મને વિશ્વાસ છે કે તે સદી ફટકારશે.'
રોહિત શહેરનો નવો બાદશાહ
રોહિત શર્માને લઈને વધુમાં ગેલે કહ્યું હતું કે, 'રોહિતને શુભકામનાઓ, રમતને મનોરંજન કરવાવાળો હંમેશા નવો ખેલાડી જોઈતો હોય છે. રોહિત છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. એવું જ મેં પણ કર્યું હતું. રોહિત હજુ શહેરનો નવો બાદશાહ છે અને આશા છે કે તે હજુ વધુ છગ્ગા ફટકારશે.' અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.