ટીમ ઈન્ડિયાથી બહાર ચાલી રહેલા સ્ટાર ગુજરાતી ખેલાડીએ બનાવ્યો ઐતિહાસિક રેકૉર્ડ, બ્રાયન લારાને પણ પછાડ્યા
Cheteshwar Pujara Beat Brian Lara: ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા ચેતેશ્વર પુજારાએ પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. પૂજારાએ તેની પ્રથમ કક્ષાના ક્રિકેટની 66મી સદી ફટકારી હતી અને તેની સદીને બેવડી સદીમાં ફેરવવામાં પણ સફળ રહ્યો હતો. પૂજારાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કરિયરમાં આ 18મી બેવડી સદી છે. પૂજારા હવે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટર બની ગયો છે. બ્રેડમેને પોતાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કારકિર્દીમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. 37 ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે છે.
બ્રાયન લારાનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ
ચેતેશ્વર પૂજારાના નામે તેની પ્રથમ કક્ષાના ક્રિકેટ કારકિર્દીમાં 66 સેન્ચુરી છે. 66મી સેન્ચુરી ફટકારી પૂજારાએ બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. લારાએ પોતાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કારકિર્દીમાં 65 સદી ફટકારી હતી. આ સાથે પૂજારાએ પોતાની પ્રથમ કક્ષાના ક્રિકેટ કારકિર્દીમાં 21000 રન પણ પૂરા કર્યા છે.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ભારત માટે ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
રણજી ટ્રોફી 2024માં છત્તીસગઢ અને સૌરાષ્ટ્ર વચ્ચેની મેચ દરમિયાન પુજારાએ સૌરાષ્ટ્ર માટે રમતી વખતે તેની સેન્ચુરી પૂરી કરી હતી. તે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ચોથા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર બન્યા છે. સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ભારત માટે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં તેમના કરતા વધુ રન બનાવ્યા છે. આ બંને પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 81 સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યા છે.
ભારત માટે ફર્સ્ટ ક્લાસમાં 25,834 સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે છે. આ સિવાય પ્રથમ કક્ષાના ક્રિકેટમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ સર જેક હોબ્સના નામે છે. જેક હોબ્સે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 199 સદી ફટકારી હતી.
2010માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું
એકવાર ચેતેશ્વર પુજારા ક્રિઝ પર આવી જાય તો તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. તેની ટેક્નિક ઘણી સારી છે. આ ક્રિકેટરે 2010માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા જેમાં 19 સેન્ચુરી અને 35 ફિફ્ટી સામેલ છે. પરંતુ ખરાબ ફોર્મના કારણે પુજારાને દોઢ વર્ષ પહેલા ભારતની ટીમમાંથી પડતો મુકાયો હતો.