રાજકોટમાં સદી ફટકારનારા 3 સ્ટાર બેટરનું કરિયર ખતરામાં, એક ખેલાડીએ કર્યું સન્યાસનું એલાન
રાજકોટમાં અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 9 બેટરોએ એક-એક વાર સદી ફટકારી છે
Image: File Photo |
IND vs ENG 3rd Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં 15 ફેબ્રુઆરીથી રમાનાર છે. રાજકોટમાં અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 9 બેટરોએ એક-એક વાર સદી ફટકારી છે. રાજકોટમાં સદી ફટકારનાર 9 બેટરોમાં 5 ભારતીય બેટરો પણ સામેલ છે. જેમાંથી ત્રણ ભારતીય બેટરોનું ભવિષ્ય આજે સંકટમાં છે. આ ત્રણ ખેલાડીઓમાંથી એક ખેલાડીએ ગયા વર્ષે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. પરંતુ બે ખેલાડીઓને હજુ આશા છે કે તેમને ભારતીય ટીમમાં રમવાની તકદ મળશે. રાજકોટ ટેસ્ટમાં સદી ફટકારનાર જે ખેલાડીઓનું ભવિષ્ય ખતરામાં છે તેમાં સૌ પ્રથમ મુરલી વિજયનું નામ આવે છે, જેણે જાન્યુઆરી 2023માં સન્યાસની જાહેરાત કરી હતી. જયારે બાકીના બે નામ ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શો છે.
મુરલી વિજયે કરી સન્યાસની જાહેરાત
મુરલી વિજય અને ચેતેશ્વર પુજારાએ રાજકોટમાં એક જ ટીમ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ ટેસ્ટ મેચ વર્ષ 2016માં 9 નવેમ્બરથી 13 નવેમ્બર વચ્ચે રમાઈ હતી. બંનેએ આ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. મુરલી વિજયે મેચની શરૂઆત કરતા 126 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરતા ચેતેશ્વર પૂજારાએ 124 રન બનાવ્યા હતા. રાજકોટમાં સદી ફટકાર્યા બાદ મુરલી વિજયનું કરિયર 2 વર્ષ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી ફટકારી હતી. પરંતુ તે પોતાના કરિયરને બચાવી ન શક્યો. વર્ષ 2018માં તેની છેલ્લી ટેસ્ટ રમ્યા બાદ મુરલી વિજય ભારતીય ટીમમાં પરત ફરી શક્યો ન હતો. આખરે તેણે જાન્યુઆરી 2023માં નિવૃત્તિની જાહેરાત કરવી પડી હતી.
પુજારાની ભારતીય ટીમમાં વાપસી મુશ્કેલ
ચેતેશ્વર પુજારા માટે પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે. ટીમ મેનેજમેન્ટનો યુવાનોમાં સતત ભરોસો એવો સંકેત આપી રહ્યો છે કે રાજકોટના આ સદી ફટકારનાર ખેલાડી માટે ભારતીય ટીમમાં વાપસી કરવી મુશ્કેલ છે. પુજારાને ભારતીય ટીમમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટર તરીકે જોવામાં આવે છે. પરંતુ, વર્તમાન પરિસ્થિતિમાં આ બધી બાબતો ગૌણ લાગે છે. ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ રમ્યાને 8 મહિના વીતી ગયા છે. જૂન 2023માં પોતાની છેલ્લી ટેસ્ટ રમનાર પુજારાએ તાજેતરમાં રણજી ટ્રોફીમાં પણ બેવડી સદી ફટકારી હતી, પરંતુ ભારતીય પસંદગીકારોએ તેની અવગણના કરી હતી. તે હાલમાં ભારતીય ટીમની બહાર છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે રાજકોટમાં સદી ફટકારી હતી
પૃથ્વી શો પણ યુવા ખેલાડી છે. પરંતુ નાની ઉંમરમાં જ તેના કરિયર પર કાળા વાદળ છવાઈ ગયા છે. વર્ષ 2018માં પૃથ્વી શોએ વેસ્ટ ઇન્ડિઝ સામે રાજકોટમાં ડેબ્યુ કર્યો અને સદી ફટકારી હતી. પરંતુ તે પછી શોની બેટિંગમાં કંઈ ખાસ જોવા મળ્યું ન હતું. કદાચ તેને થોડી વધુ તક મળત તો વાત અલગ હોત.
ડોમેસ્ટિક ક્રિકેટમાં બનાવી રહ્યો છે રન
ભારત માટે ટેસ્ટ રમ્યાને પૃથ્વી શોને 4 વર્ષ થઇ ચૂક્યા છે. પૃથ્વી શોએ ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં તેની છેલ્લી ટેસ્ટ રમી હતી. તે પછી તે ભારતીય ટીમની બહાર થઈ ગયો અને હજુ ટીમમાં પરત ફરી શક્યો નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં શો રન બનાવી રહ્યો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી.