IPL 2024 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ વધી, વિસ્ફોટક બેટર ઈજાના કારણે અડધી સિઝન માટે બહાર
ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL 2024ની પ્રથમ મેચ રમાનાર છે
Image:File Photo |
Devon Conway Ruled Out From First Half Of IPL 2024 : મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ 5 વખત ચેમ્પિયન રહેલ ચેન્નઈ સુપર કિંગ્સને IPL 2024 પહેલા મોટો મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે ઈજાને કારણે ટુર્નામેન્ટના પ્રથમ ભાગ માટે બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની T20I સીરિઝ દરમિયાન ઈજાને કારણે કોનવેને ડાબા અંગૂઠા પર સર્જરી કરવામાં આવશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા એક નિવેદન બહાર પાડ્યું હતું કે કોનવેને સર્જરીમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 અઠવાડિયાનો સમય લાગશે અને તેનો અર્થ એ છે કે તે IPL 2024માં 22 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમી શકશે નહીં.
ન્યુઝીલેન્ડ ક્રિકેટે આપી માહિતી
બ્લેકકેપ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઓપનિંગ બેટ્સમેન ડેવોન કોનવે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા સામેની T20I સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત ડાબા અંગૂઠા પર સર્જરી કરાવશે. સ્કેન અને નિષ્ણાતોની સલાહ બાદ સંભવિત રિકવરી માટે ઓછામાં ઓછા 8 અઠવાડિયાનો સમય લાગશે." કોનવેએ રેકોર્ડ પાંચમી વખત CSKને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે IPL 2023માં CSK માટે સૌથી વધુ 672 રન બનાવનાર ખેલાડી હતો, જ્યારે ફાઇનલમાં તેણે 25 બોલમાં 47 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ધોનીની મુશ્કેલીમાં વધારો
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોનવેની જગ્યાએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રૂતુરાજ ગાયકવાડ સાથે કોણ ઓપનિંગ કરશે. માહી પાસે અજિંક્ય રહાણેના રૂપમાં એક અનુભવી વિકલ્પ છે. રહાણે માટે છેલ્લી IPL સિઝન શાનદાર રહી હતી, તે પહેલા પણ IPLમાં ઈનિંગ્સની શરૂઆત કરી ચૂક્યો છે.