ધોની IPLમાં રમશે કે નહીં? ચેન્નઈ સુપર કિંગ્સે કહ્યું, 'હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી પણ...'
CSK CEO On MS Dhoni : આગામી IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) માટે એમએસ ધોની રમશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત થયું નથી. હવે CSKના CEO કાસી વિશ્વનાથને એક ઈવેન્ટ દરમિયાન આગામી સિઝનમાં ધોનીના રમવા અંગે મોટું અપડેટ આઓયું છે. અહીં તમને જણાવી દઈએ કે તાજેતરમાં ધોનીને અનકેપ્ડ પ્લેયર્સની યાદીમાં સામેલ કરવાની અપેક્ષાઓ ચરમસીમાએ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને કહ્યું હતું કે, 'અમે પણ ધોનીને CSK તરફથી રમતો જોવા માંગીએ છીએ. પરંતુ તેણે હજુ સુધી કોઈ પુષ્ટિ કરી નથી. હું તમને 31 ઓક્ટોબર પહેલા બધું જણાવી દઈશ. અમે આશા રાખીએ છીએ કે તે રમશે.' BCCIએ નવી રીટેન્શન પોલિસી જાહેર કરતા બધી ટીમોને 31 ઓક્ટોબર સુધીમાં રીટેન્શનની યાદી આપવાનું જણાવ્યું હતું. એટલે આગામી એક સપ્તાહની અંદર IPL 2025માં ધોની રમશે કે નહી તે અંગે ચોક્કસ અપડેટ બહાર આવી શકે છે.જ્યારે BCCI અધિકારીઓએ IPL ટીમના માલિકો સાથે બેઠક યોજી હતી. ત્યારે એવી અફવાઓ ફેલાઈ હતી કે, CSKએ અનકેપ્ડ પ્લેયરના નિયમને પાછો લાવવાની માંગ કરી હતી. પરંતુ બાદમાં ખબર પડી કે BCCI પોતે જ આ નિયમને પાછો લાવવા માંગતું હતું. આ હેઠળ કોઈપણ ખેલાડી કે જેણે છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નથી રમ્યું તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવશે.
હજુ પણ એમએસ ધોની અંગે કોઈ સ્પષ્ટતા નથી કે શું CSK તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખશે કે તેના માટે અલગ યોજના બનાવવામાં આવશે. જો ધોનીને અનકેપ્ડ ખેલાડી બનાવવામાં આવે તો તેનો પગાર 3 ગણો ઘટીને 4 કરોડ રૂપિયા થઈ જશે. તેણે છેલ્લી સિઝન રમવા માટે 12 કરોડ રૂપિયાનો પગાર લીધો હતો.