Get The App

પાક.ને ફટકાર : ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા 'Pok'માં નહીં

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પાક.ને ફટકાર : ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા 'Pok'માં નહીં 1 - image


- ભારતીય ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવતા ICCએ પાકિસ્તાનનો ઉધડો લીધો

- પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રચાર યાત્રામાં પી.ઓ.કે.ના સ્કાર્ડુ, હુન્ઝા, મુઝફરાબાદ અને મુરીનો સમાવેશ કરાયો હતો

- ICCના ફરમાન પછી પાકિસ્તાન બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી યાત્રા જ રદ કરી

- ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા મારફત પીઓકે પર દાવો કરવાનો પાક.નો ઇરાદો ભારતે નિષ્ફળ બનાવ્યો

નવી દિલ્હી : આગામી ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ દરમ્યાન યોજાનાર વન ડે ક્રિકેટની ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાનાર છે પણ ભારતે પાકિસ્તાનમાં તેની મેચો રમવાનો ઈન્કાર કરી દીધો હોઈ ચેમ્પિયન્સ ટ્રોફી ક્યા અથવા તો ક્યા મોડેલથી યોજવી તેનો કોયડો ગૂંચવાયો છે તેવા વાતાવરણ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની જે હરકત બહાર આવી છે તેનો આઈસીસીએ ઉધડો લીધો છે અને મનાઈ ફરમાવી છે. બન્યું એવું કે ચેમ્પિયન્સ ટ્રોફીનો ટેમ્પો જમાવવાના બહાને પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીને પાકિસ્તાનના જુદા જુદા શહેરોમાં ચાહકોને જોવા માટે ફેરવવાનું નક્કી કર્યું હતું.

આવતીકાલથી ૨૪ નવેમ્બર દરમ્યાન ટ્રોફી પાકિસ્તાન શહેરોમાં યાત્રા કરવાની હતી અને ચાહકો તેને જોવા ઉમટે તેવો આશય હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફી યાત્રાના શહેરો અને રૂટ પણ જાહેર કર્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ખોરી દાનત બતાવતા આ ટ્રોફી યાત્રામાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર- પીઓકે)ના મુરી, સ્કાર્ડુ, હુન્ઝા અને મુઝફરાબાદ જેવા શહેરોને પણ આવર્યા હતા. એટલું જ નહીં 'એક્સ' પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોસ્ટ મુકી તેમાં પણ આ વિવાદિત શહેરોના નામ મુક્યા હતા.

પાકિસ્તાન જો આમ કરવામાં સફળ થાય અને ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઈ.સી.સી. પાકિસ્તાનની આ ચાલને નજરઅંદાજ કરે તો ભવિષ્યમાં પાકિસ્તાન એવો દાવો કરી શકે કે 'જુઓ, અમે ચેમ્પિયન્સ ટ્રોફીની યાત્રા પણ પીઓકેમાં કરાવી હતી.' આમ પીઓકે પાકિસ્તાનનું છે તે પૂરવાર થાય. હકીકતમાં પી.ઓ.કે. ભારત સરકારના મતે વિવાદિત છે અને તેને પાકિસ્તાન હસ્તક કહી ન શકાય.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીની જુદા જુદા શહેરોની યાદીમાં પી.ઓ.કે.ના ત્રણ શહેરોના નામ જોતાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે આઈ.સી.સી. સમક્ષ તાત્કાલિક વિરોધ વ્યક્ત કર્યો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પી.ઓ.કે.ના શહેરો બાકાત કરવાની તાકીદ કરવામાં આવે.

આઈ.સી.સી.ને પણ પાકિસ્તાનની મેલી મુરાદ જણાઈ અને તેઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની પાકિસ્તાન યાત્રામાંથી પી.ઓ.કે.ના ત્રણ શહેરો બાકાત કરી દેવામાં આવે. આઈ.સી.સી.ની આ ફટકાર પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્રોફીની આ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કઈ હદે જઈ શકે છે તેની આઈ.સી.સી.એ તે રીતે પણ નોંધ લીધી હશે કે સામાન્ય રીતે જે તે આઈસીસી ઈવેન્ટનો પહેલા કાર્યક્રમ જાહેર થાય તે પછી યજમાન તેના દેશમાં ટ્રોફીની ટુર યોજે જ્યારે ૨૦૨૫ની ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તો જાહેર થયો જ નથી પણ તેના યજમાન તરીકે પણ ભારત પાકિસ્તાનમાં રમવા નહીં જવાનું હોઈ હજુ આખરી મહોર આ વિવાદ પછી નથી લાગી છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસીની ઉપરવટ થઈને જાહેર કરે છે કે અમે જ ટુર્નામેન્ટ યોજીશું.

ભારત જોડે ઉષ્માભર્યું વલણ ધરાવીએ છીએ અને અમે બીન રાજકારણી છીએ તેમ મેસેજ આપવાની જગ્યાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન ભારતને જાણી જોઈને ઉશ્કેરે છે આ હરકત પછી તો ભારત પાકિસ્તાન નહીં જ જાય તે વધુ નિશ્ચિત બની ગયું છે.

ભારતે પાકિસ્તાનના કરતૂતો ખુલ્લા પાડયાં

પાક.ની સંબંધો સુધારવાની વાતો વચ્ચે આતંકવાદીઓને ખુલ્લેઆમ આશરો

- લખવીને સમર્થન સાથે પાક ભારત સાથે સારા સંબંધની આશા કઈ રીતે રાખી શકે 

નવી દિલ્હી : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જોડાવાની અપીલ કરનારા પાકિસ્તાનનો ચહેરો ભારતે ખુલ્લો પાડયો છે. પાકિસ્તાન એકબાજુ ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરે છે. પરંતુ તેના ત્યાં આતંકીઓ ખુલ્લેઆમ ફરે છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે તેવા સમયે જ ભારતે એક ડોઝિયર સોંપી પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડી દીધો છે.પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન વચ્ચે ભારતની ગુપ્તચર એજન્સીઓએ આતંકી સંગઠનોને સમર્થન અને આશરો આપવામાં પાકિસ્તાનની સંડોવણી પર એક વિસ્તૃત ડોઝિયર જાહેર કર્યું છે, જેમાં પાકિસ્તાનની ધરતી પરથી ચાલતી આતંકી પ્રવૃત્તિઓ પર એક વ્યાપક રિપોર્ટમાં વિગતો રજૂ કરાઈ છે. આ ડોઝિયરમાં એવા અનેક પુરાવા રજૂ કરાયા છે, જે પાકિસ્તાનમાં ચાલતા આતંકી સંગઠનોની સીધી અને પરોક્ષ સંડોવણી દર્શાવે છે.

આ રિપોર્ટ મુજબ મુંબઈમાં ૨૬-૧૧ના બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ લશ્કર-એ-તૈયબાનો ચીફ મિલિટરી કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવી હતો. આ બાબતનો ઘટસ્ફોટ પાકિસ્તાની મૂળના અમેરિકન નાગરિક ડેવિડ હેડલીએ જ કર્યો હતો. આ મુંબઈ હુમલામાં ૧૭૫ના મોત થયા હતા. પાક. કોર્ટે વૈશ્વિક દબાણના લીધે તેને સજા ફટકારી હતી, પરંતુ હવે તે બહાર આવી લાહોર-ઇસ્લામાબાદના રસ્તા પર ખુલ્લેઆમ ફરે છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન લાહોર, ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવાનું છે. 

લખવીનું નામ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ અલ કાયદા સેકશન કમિટીમાં  રાખતા તેના પર પ્રતિબંધ મૂકેલો છે. તેના પગલે લખવીએ તેનું નામ અબૂ વાસી રાખ્યું છે. ઇસ્લામાબાદની નેશનલ યુનિવર્સિટી ઓફ મોડર્ન લેંગ્વેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇસ્લામિક થોટ એન્ડ કલ્ચરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મુહમ્મદ સઇદ તેનું ખુલ્લેઆમ સમર્થન કરે છે.બંને કોઈ ફિટનેસ કાર્યક્રમમાં જોડે હતા. 

લખવી પર અમેરિકા અને ભારત સહિત ઘણા યુરોપીયન દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન અધિકારીઓએ પણ તે વાતને સમર્થન આપ્યું છે કે લખવી અલ કાયદા સાથે જોડાયેલો હતો. તે વિદેશોમાં આતંકવાદી હુમલાનો અંજામ આપે છે. 


Google NewsGoogle News