ટીમ ઈન્ડિયા 'ચેમ્પિયન': 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઈનલમાં શાનદાર જીત
ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. આટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો છે.
આજની જીત સાથે જ ન્યૂઝીલેન્ડ સાથેનો ભારતનો 25 વર્ષ જૂનો હિસાબ બરાબર થયો. વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને મ્હાત આપી હતી. તે મેચમાં ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 રન ફટકાર્યા હતા.
ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં આખરે ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી છે. શરૂઆતમાં રોહિત શર્માની તોફાની બેટિંગ બાદ એક બાદ એક વિકેટ ગુમાવવાના કારણે ભારતીય ફેન્સના ધબકારા વધી ગયા હતા. જોકે રોમાંચક મેચના અંતે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી.
ટીમ ઈન્ડિયામાં કોણે કેટલા રન ફટકાર્યા?
ટીમ ઈન્ડિયામાં કોણે કેટલી વિકેટ લીધી
ભારતને છઠ્ઠો ઝટકો : હાર્દિક પંડ્યા 18 રન બનાવી આઉટ
ભારતને પાંચમો ઝટકો: અક્ષર પટેલ આઉટ
ફાઇનલ મેચમાં અંતિમ 10 ઓવરોમાં મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી. ભારતે પાંચ વિકેટો ગુમાવી. અક્ષર પટેલ 20 રન બનાવી આઉટ થયો. હવે હાર્દિક પંડ્યા અને K L રાહુલ પર દારોમદાર.
ભારતને ચોથો ઝટકો: શ્રેયસ અય્યર હાફ સેન્ચુરીથી ચૂક્યો
રોહિત શર્માની વિકેટ બાદ શ્રેયસ અય્યરે ભારત તરફથી બાજી સંભાળી હતી. જોકે તે માત્ર 2 રનથી અડધી સદી ચૂક્યો. 62 બોલમાં 48 રન બનાવ્યા.
ભારતને ત્રીજો ઝટકો: કેપ્ટન રોહિત શર્મા તોફાની બેટિંગ બાદ આઉટ
કેપ્ટન રોહિત શર્મા આજે સારી ફૉર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. રચિન રવીન્દ્ર રોહિત શર્માની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રોહિત શર્માએ 83 બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે કુલ 76 રન બનાવ્યા.
ભારતને બીજો ઝટકો: કોહલી સસ્તામાં આઉટ
વિરાટ કોહલીએ આજની મેચમાં સૌને નિરાશ કર્યા હતા. માત્ર એક રન બનાવી આઉટ થયો.
ભારતને પ્રથમ ઝટકો: ગિલ 31 રન મારી આઉટ
ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે ભારતના શુભમન ગિલની વિકેટ ઝડપી. ફિલિપ્સે ગિલનો કેચ પકડ્યો હતો.
રોહિત શર્માની અર્ધસદી
ફાઇનલ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. માત્ર 41 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 50 રન પૂર્ણ કર્યા.
252 રનનો લક્ષ્ય પૂર્ણ કરવા ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી અને ટીમના કેપ્ટન રોહિત શર્માએ આવતાંવેંત જ ચોગ્ગા-છગ્ગા ફટકારવાની શરૂઆત કરી હતી. શરૂઆતની છ ઓવરમાં જ ટીમ ઈન્ડિયાએ 39 રન ફટકાર્યા હતા. જેમાં રોહિત શર્માએ 25 બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા ફટકાર્યા હતા.
ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટમાં સૌથી વધુ કેચ છોડનારી ટીમ બન્યું ભારત, ફાઇનલ મેચમાં જ 4 જીવનદાન આપ્યા
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ફિલ્ડિંગમાં અનેક ભૂલો કરી. ચેમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે કુલ 11 કેચ છોડ્યા. 9મી માર્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ચાર કેચ છોડ્યા, જેમાં રચિન રવીન્દ્રને તો બે વખત જીવનદાન મળ્યું. મોહમ્મદ શમી અને શ્રેયસ અય્યરે રચિનના કેચ છોડ્યા. રોહિત શર્માએ ડેરિલ મિચેલ, શુભમન ગિલે ફિલિપ્સને જીવનદાન આપ્યું. આ સાથે જ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સૌથી વધુ કેચ ડ્રોપ કરનારી ટીમ બની ગઈ છે.
મોહમ્મદ શમી જલવો બતાવી શક્યો નહીં
આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ હાથ લાગી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે આજની ટૂર્નામેન્ટમાં શમીએ નવ ઓવરમાં 74 રન આપી એક જ વિકેટ ઝડપી છે.
ભારતના સ્પિનર્સનો દબદબો
ટીમ ઈન્ડિયાના સ્પિનર્સનો આજે ફાઈનલ મેચમાં પણ દબદબો જોવા મળ્યો હતો. વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ટીમ ઈન્ડિયાને મળ્યો 252 રનનો ટાર્ગેટ
ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટના નુકસાને 251 રન બનાવ્યા છે.
કેપ્ટન સેન્ટનર રન આઉટ
ન્યૂઝીલેન્ડનો કેપ્ટન સેન્ટનરને વિરાટ કોહલીએ રન આઉટ કર્યો છે. દસ બોલમાં આઠ રન બનાવી સેન્ટનર પેવેલિયન ભેગો થયો હતો.
શમી અંતે વિકેટ લેવામાં સફળ, મિચેલ કેચ આઉટ
પાવર પ્લે 3માં મોહમ્મદ શમી અંતે વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમીની સાતમી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા બાદ મિચેલ ચોથા બોલે કેચ આઉટ થયો હતો. રોહિત શર્માએ કેચ આઉટ કર્યો હતો.
મિચેલની અર્ધસદી
ડેરિયલ મિચેલ પિચ પર ધુઆંધાર બેટિંગ કરી રહ્યો છે. તેણે 91 બોલ પર 50 રન ફટકારી અર્ધસદી બનાવી છે. તેણે વનડે મેચમાં અત્યારસુધી કુલ આઠ વખત અર્ધસદી ફટકારી છે. 50 રન સાથે મિચેલ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે અત્યારસુધીનો ઉમદા બેટર સાબિત થયો છે.
ન્યૂઝીલેન્ડની વિકેટઃ 57-1 (વિલ યંગ, 7.5 ઓવર), 69-2 (રચિન રવિન્દ્ર, 10.1 ઓવર), 75-3 (કેન વિલિયમસન, 12.2 ઓવર), 108-4 (ટોમ લેથમ, 23.2 ઓવર), 165-5 (ફિલિપ્સ, 37.5 ઓવર), 211-6 (ડેરિયલ મિચેલ, 45.4 ઓવર)
ફિલિપ્સ ક્લિન બોલ્ડ, વરૂણે લીધી બીજી વિકેટ
ટીમ ઈન્ડિયા પર છેલ્લી 10 ઓવરથી પ્રેશર બનાવી રહેલી ન્યૂઝીલેન્ડના મિચેલ-ફિલિપ્સની જોડી તૂટી છે. વરૂણ ચક્રવર્તીએ ફિલિપ્સને ક્લિન બોલ્ડ કરી પેવેલિયન ભેગો કર્યો છે. આ સાથે વરૂણને બીજી અને ટીમ ઈન્ડિયાને પાંચમી સફળતા મળી છે. ફિલિપ્સ 52 બોલમાં 34 રન ફટકાર્યા હતા.
ભારતે ત્રણ વખત ગોલ્ડન ચાન્સ ગુમાવ્યો
ટીમ ઈન્ડિયાએ આજની ફાઈનલ મેચમાં ત્રણ વખત ગોલ્ડ ચાન્સ ગુમાવ્યો છે. પહેલા ચાન્સમાં મોહમ્મદ શમીએ સાતમી ઓવરમાં સીધો કેચ છોડ્યો હતો. બીજો ચાન્સ પ્રથમ તક ગુમાવ્યાના ચાર બોલ બાદ જ ગુમાવ્યો હતો. જેમાં જાડેજાની બોલિંગમાં અય્યરે મહત્ત્વનો રચિનનો કેચ છોડ્યો હતો. 35મી ઓવરમાં ટીમનો કેપ્ટન રોહિત શર્માએ પણ કેચ છોડતાં ટીમ ઈન્ડિયાને નુકસાન થયુ છે.
ન્યૂઝીલેન્ડના 150 રન, મિચેલ-ફિલિપ્સે બાજી સંભાળી
ન્યૂઝીલેન્ડે ધડાધડ ચાર વિકેટ ગુમાવ્યા બાદ મિચેલ અને ફિલિપ્સ બાજી સંભાળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડે 34.4 ઓવરમાં 150 રનનો આંકડો ક્રોસ કરી લીધો છે. મિચેલે 71 બોલમાં 38 તો ફિલિપ્સે 41 બોલમાં 26 રન બનાવ્યા છે.
જાડેજાએ ખાતુ ખોલ્યું
રવિન્દ્ર જાડેજાએ અંતે ખાતુ ખોલ્યું છે. જાડેજાએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ટોમ લેથમને LBW કર્યો છે. લેથમ 30 બોલમાં 14 રન બનાવી પેવેલિયન ભેગો થયો છે. ન્યૂઝીલેન્ડે 23.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાને મોટી સફળતા, કુલદીપ યાદવે બીજી વિકેટ ઝડપી
કુલદીપ યાદવે દમદાર બોલિંગ પ્રદર્શન કરતાં ન્યૂઝીલેન્ડને ત્રીજો અને મોટો ઝટકો આપ્યો છે. કેન વિલિયમસન 11 રન કરીને આઉટ થયો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 75 રન થયો છે અને તેની ત્રીજી વિકેટ પડી ચૂકી છે.
રચિન રવિન્દ્ર થયો ક્લિન બોલ્ડ
રચિન રવિન્દ્રને કુલદીપ યાદવે આવતા વેંત જ ક્લિન બોલ્ડ કર્યો છે. અગાઉ બે વખત આઉટ થતાં બચી ગયેલો રચિન અંતે 37 રને આઉટ થયો છે. તે 29 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ મારી કુલ 37 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડે 11.1 ઓવરમાં બે વિકેટના નુકસાને 73 રન બનાવ્યા છે.
વરૂણે પહેલી સફળતા અપાવી, યંગ આઉટ
વરૂણ ચક્રવર્તીએ ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી છે. વિલ યંગ 23 બોલમાં 15 રન બનાવી LBW થયો છે. વરૂણની ઓવરમાં પહેલાં શ્રેયસ અય્યરે કેચ છોડતાં ટીમ ઈન્ડિયા નિરાશ થઈ હતી. પરંતુ વરૂણે ટીમને સફળતા અપાવી ન્યૂઝીલેન્ડ પર પ્રેશર બનાવ્યું છે.
મોહમ્મદ શમીએ કેચ છોડ્યો, હાથમાં બોલ વાગ્યો
ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટિંગનો નિર્ણય ટીમ માટે લાભદાયી સાબિત થયો છે. ઓસ્ટ્રેલિયા 6.4 ઓવરમાં જ 47 રન ફટકાર્યા છે. રચિન રવિન્દ્રે 21 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સ ફટકારી 29 રન બનાવ્યા છે. સાતમી ઓવરમાં જ મોહમ્મદ શમીએ રચિન રવિન્દ્રનો મહત્ત્વનો કેચ છોડ્યો હતો. શમીને હાથમાં બોલ વાગતા ઈજા થઈ હતી. જેના લીધે મેચ થોડી ક્ષણો માટે અટકાવવી પડી હતી. શમીને હાલ આરામ માટે પેવેલિયનમાં બેસાડ્યો છે.
રોહિતે બ્રાયન લારાના વન-ડેમાં સૌથી વધુ વખત ટોસ હારવાના રેકોર્ડની બરાબરી કરી
રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટોસ હારીને વન ડેમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સતત ટોસ હારવાના બ્રાયન લારાના રેકોર્ડની બરાબર કરી લીધી. રોહિત શર્મા અત્યાર સુધી કુલ 12 ટોસ હારી ચૂક્યો છે. જ્યારે બ્રાયન લારા પણ 12 વખત કેપ્ટન તરીકેટોસ હારી ચૂક્યો છે. જ્યારે ત્રીજા ક્રમે પીટર બોરેન છે જે સતત 11 વખત ટોસ હાર્યા હતા.
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટર મેટ હેનરી નહીં રમે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીનો સૌથી સફળ ફાસ્ટ બોલર મેટ હેનરી ઈજાગ્રસ્ત હોવાથી અત્યંત મહત્ત્વની ફાઈનલ મેચમાં જ નહીં રમે. ન્યૂઝીલેન્ડને ફાઈનલમાં મેટ હેનરીની ગેરહાજરી વર્તાઈ શકે છે. કારણકે, તેણે અત્યારસુધીમાં ટૂર્નામેન્ટમાં 10 વિકેટ ઝડપી છે. ભારત સામેની મેચમાં તેણે પાંચ વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં હેનરીનો આ સ્પેલ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્પેલ હતો.
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.
ટીમ ન્યૂઝીલેન્ડ પ્લેઈંગ 11: વિલ યંગ, રચિન રવિન્દ્રા, કેન વિલિયમસન, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમિસન, વિલિયમ ઓરોર્ક, ડેરિયલ મિચેલ.
ટીમ ઈન્ડિયા 15મી વખત ટોસ હારી
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ હાર્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયા સળંગ 15મી વખત ટોસ હારી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.