Get The App

અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય? જેને હરાવ્યા હવે એના પર જ દારોમદાર

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય? જેને હરાવ્યા હવે એના પર જ દારોમદાર 1 - image


Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમને જીતવા માટે 274 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ સામે કાંગારુ ટીમે 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવી લીધા હતા. ત્યારબાદ વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે મેચ પડતી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

અફઘાની ટીમને દુઆની જરૂર, આવું છે સમીકરણ

વરસાદમાં મેચ ધોવાયા બાદ બંને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યો. આ કારણે ઓસ્ટ્રેલિયન ટીમ ચાર પોઇન્ટ સાથે સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે અફઘાનિસ્તાનના માત્ર 3 પોઇન્ટ છે અને તેમના માટે હવે સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. જોકે, અફઘાન ટીમ માટે સેમિફાઇનલમાં પ્રવેશવાની હજુ પણ થોડી શક્યતા છે.

અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય? જેને હરાવ્યા હવે એના પર જ દારોમદાર 2 - image

અફઘાનિસ્તાનની ટીમ ત્યારે જ સેમિફાઇનલમાં પહોંચી શકશે, જ્યારે ઇંગ્લિશ ટીમ શનિવારે કરાંચીમાં રમાનારી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત નોંધાવશે. આજે કરાંચીના નેશનલ સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ vs સાઉથ આફ્રિકા મેચ નિર્ણાયક સાબિત થશે. સાઉથ આફ્રિકા જીતે તો તે સીધું સેમિફાઇનલમાં એન્ટ્રી કરશે, પરંતુ અફઘાનિસ્તાનની આશા માટે ઇંગ્લૅન્ડને ચમત્કાર કરવો પડશે. તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં તમામ ટીમોમાં દક્ષિણ આફ્રિકાનો નેટ-રનરેટ (+2.140) શ્રેષ્ઠ છે. જ્યારે અફઘાનિસ્તાનનો નેટ-રન રેટ -0.990 છે. આમ અફઘાનિસ્તાને જે ટીમને હરાવી એ જ ટીમની જીત માટે દુઆ કરવી પડશે. 

અફઘાનિસ્તાન માટે સેમિફાઇનલમાં પહોંચવું હજુ શક્ય? જેને હરાવ્યા હવે એના પર જ દારોમદાર 3 - image

આ પણ વાંચો: IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફી પછી હવે ત્રણ વખત થશે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો ક્યારે રમાશે એશિયા કપ

ધારો કે જો દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરીને 300 રન બનાવે છે, તો ઇંગ્લૅન્ડે 11.1 ઓવરમાં આ ટાર્ગેટને ચેઝ કરવો પડશે. જો ઇંગ્લૅન્ડની ટીમ પહેલા બેટિંગ કરે અને 300 રન બનાવે છે, તો આફ્રિકન ટીમને ઓછામાં ઓછા 207 રનથી હારવું પડશે. જો આવું નહીં થાય તો દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. તેનો અર્થ એ કે એકંદરે અફઘાન ચાહકોએ તેમની ટીમ માટે દુઆ કરવી પડશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ઓસ્ટ્રેલિયાને ગ્રૂપ બીમાં રાખવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ ગ્રૂપમાં ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ એક મેચ જીતી છે, જ્યારે તેની બે મેચ અનિર્ણિત રહી હતી. ઓસ્ટ્રેલિયાનો નેટ-રનરેટ 0.475 છે. દક્ષિણ આફ્રિકાના બે મેચમાં 3 પોઈન્ટ છે અને તે હાલમાં બીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સાથેની તેની મેચ અનિર્ણિત રહી હતી. ત્રીજા સ્થાને રહેલી અફઘાનિસ્તાનની ટીમના 3 મેચમાં 3 પોઈન્ટ  છે. ચોથા નંબરે ઈંગ્લિશ ટીમ છે, જેનું ખાતું નથી ખુલ્યું અને તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

ભારત અને ન્યૂઝીલૅન્ડ સેમિફાઇનલમાં પહોંચી

ગ્રૂપ-A ની વાત કરીએ તો તેમાં ભારત, ન્યૂઝીલૅન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામેલ છે. ગ્રૂપ-Aમાંથી ભારત અને ન્યુઝીલૅન્ડની ટીમો સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે, બંને ટીમોમાંથી કઈ ટીમ નંબર 1 પર રહેશે તે 2 માર્ચે નક્કી થશે. તમને જણાવી દઈએ કે, ન્યૂઝીલૅન્ડની ટીમ બે મેચમાં બે જીત સાથે આ ગ્રૂપમાં નંબર વન પર છે. કિવી ટીમનો નેટ-રનરેટ 0.863 છે. બીજી તરફ ભારતીય ટીમ હાલમાં બે મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. ભારતના 4 પોઇન્ટ છે અને તેનો નેટ રન રેટ 0.647 છે. જ્યારે બાંગ્લાદેશ ત્રીજા સ્થાને છે અને પાકિસ્તાન ચોથા સ્થાને છે. બંને ટીમોનો એક-એક પોઇન્ટ હતો, પરંતુ સારા નેટ-રનરેટને કારણે બાંગ્લાદેશ ટેબલમાં પાકિસ્તાનથી આગળ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની બાકી મેચ

1 માર્ચ- દક્ષિણ આફ્રિકા vs ઇંગ્લૅન્ડ, કરાચી

2 માર્ચ ન્યૂઝીલૅન્ડ vs ભારત, દુબઈ

4 માર્ચ- સેમિફાઇનલ 1, દુબઈ

5 માર્ચ- સેમિફાઇનલ 2, લાહોર

9 માર્ચ- ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)

10 માર્ચ- રિઝર્વ ડે


Google NewsGoogle News