ચેમ્પિયન્સ ટ્રોફી: શમીની એન્ટ્રી થતાં જ આ ખેલાડીનું કપાશે પત્તું, જાણો કોને કોને મળશે મોકો
Champions Trophy 2025 : આગામી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાવાની છે. 19 ફેબ્રુઆરીએ ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ભારતીય ટીમ તેની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે.
ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવાની અંતિમ તારીખ 12 જાન્યુઆરી નક્કી કરી છે. એટલે કે આ તારીખ સુધીમાં તમામ 8 દેશોએ પોતાની ટીમ પસંદ કરી લેવાની રહેશે. ભારતીય પસંદગીકારો આ અંગે અંતિમ નિર્ણય લેશે. પરંતુ તે પહેલા એવા ક્યાં ખેલાડીઓ છે કે જેમને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની તક મળી શકે છે તેના વિશે ચાલો જાણીએ..........
યશસ્વીની જગ્યાએ આ ખેલાડીને મળી શકે છે ટીમમાં તક
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં રહેશે. જ્યારે શુભમન ગિલ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટર તરીકે ટીમ સાથે જોડાઈ શકે છે. યશસ્વી જયસ્વાલ પણ પસંદગી માટે દાવેદાર છે. પરંતુ વનડે ક્રિકેટમાં શુભમનનો રેકોર્ડ શાનદાર છે. આ સ્થિતિમાં યશસ્વીને નિરાશાનો સામનો કરવો પડી શકે છે. ટીમમાં શ્રેયસ અય્યરનું સ્થાન પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે. તે હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે.
હાર્દિક પંડ્યાની ભૂમિકા ઘણી મહત્ત્વની
કેએલ રાહુલ અને રિષભ પંતને વિકેટકીપર અને બેટર તરીકે ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. રાહુલ અને પંતને જો ટીમમાં સ્થાન મળશે તો સંજુ સેમસન નિરાશ થઈ શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની ભૂમિકા ઘણી મહત્ત્વની રહેવાની છે. હાર્દિક પાસેથી સ્ટાર ઓલરાઉન્ડર તરીકે ટીમની ઘણી અપેક્ષા છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. કે જેણે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
કુલદીપ યાદવ ફિટ નહી થાય તો રવિ બિશ્નોઈની એન્ટ્રી થઈ શકે
ટીમમાં સ્પીનર તરીકે અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થઈ શકે છે. જાડેજા અને અક્ષર અનેક વખત સારી બેટિંગ કરી ચૂક્યા છે આ સિવાય સ્પીનર કુલદીપ યાદવને પણ ટીમમાં જગ્યા મળી શકે છે. જો કે, કુલદીપ યાદવે તાજેતરમાં સર્જરી કરાવી હતી અને તે હાલ રિહેબ હેઠળ છે. પરંતુ હવે કુલદીપે બોલિંગ શરૂ કરી દીધી છે અને તે ચેમ્પિયન્સ ટ્રોફી સુધીમાં ફિટ થઇ જાય તેવી આશા છે. જો કુલદીપ સંપૂર્ણ ફિટ નહિ થાય તો લેગ સ્પીનર રવિ બિશ્નોઈની એન્ટ્રી થઈ શકે છે.
શમીને થઇ શકે છે ટીમમાં વાપસી?
તો બીજી તરફ ઝડપી બોલિંગ યુનિટમાં ચાર સ્પેશિયાલિસ્ટ ઝડપી બોલરોને ટીમમાં સામેલ કરી શકાય છે. સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા જસપ્રીત બુમરાહ ફિટ થઈ જશે તેવી બધાને આશા છે. આ સિવાય બોલર મોહમ્મદ શમી પણ આ ટુર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. શમીએ વિજય હજારે ટ્રોફીમાં પોતાની ફિટનેસ સાબિત કરી છે. જો શમીની એન્ટ્રી ટીમમાં થશે તો સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે. આ સિવાય અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજનો પણ ભારતીય ટીમમાં સમાવેશ થઇ શકે છે. અર્શદીપ ડાબા હાથનો ઝડપી બોલર હોવાથી તેની હાજરી ભારતની બોલિંગ આક્રમણમાં વિવિધતા લાવશે.
આ પણ વાંચો : કોહલી અને રોહિતને કાઢી મૂકો: ખુરશી સંભાળતાં જ BCCIના નવા સેક્રેટરીનો કડક સંદેશ
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત 15 સભ્યોની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, દીપક પટેલ, કે.એલ. યાદવ/રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
આ ખેલાડીઓ પણ ટીમમાં પસંદગી પામવાના દાવેદાર છેઃ યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, રિંકુ સિંહ, શિવમ દુબે, પ્રસિદ્ધ કૃષ્ણા, રિયાન પરાગ, હર્ષિત રાણા.