ચેમ્પિયન્સ ટ્રોફી: ગમે તે કિંમતે પાકિસ્તાન નહીં જાય ટીમ ઈન્ડિયા, સામે જવાબ મળ્યો- લેખિતમાં આપો
PCB Mohsin Naqvi Chief On BCCI : પાકિસ્તાનમાં આવતા વર્ષે યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)નું ટેન્શન વધી ગયું છે. ભારતીય ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તેવી પૂરી શક્યતા છે. ભારત સરકારે હજુ સુધી ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાનનો પ્રવાસની મંજૂરી આપી નથી.
શું કહ્યું મોહસિન નકવીએ?
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન 'હાઈબ્રિડ મોડલ' હેઠળ આ ટુર્નામેન્ટ યોજવા માટે સંમત થઈ ગયું છે. અને ભારત તેની તમામ મેચ યુએઈમાં રમશે. જોકે ICCએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે આ સમગ્ર મામલે PCB ચીફ મોહસિન નકવીનું નિવેદન સામે આવ્યું છે. નકવીએ કહ્યું કે, 'જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને કોઈ સમસ્યા હોય તો તેને લેખિતમાં જણાવવું પડશે. આ પછી જ 'હાઈબ્રિડ મોડલ'ને લઈને કોઈ વાત થઇ શકે છે.' હાઈબ્રિડ મોડલ હેઠળ અમુક મેચો દુબઈ અથવા શારજાહમાં યોજાઈ શકે છે.
BCCI અમને લેખિતમાં રજૂઆત કરે
લાહોરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મોહસીન નકવીએ કહ્યું હતું કે, 'અમારું સ્પષ્ટ વલણ છે કે જો BCCIને કોઈ સમસ્યા હોય તો તેણે અમને લેખિતમાં આપવી પડશે. આજ સુધી અમે કોઈ 'હાઈબ્રિડ મોડલ' વિશે વાત કરી નથી. પરંતુ અમે તેના વિશે વાત કરવા તૈયાર છીએ. અમને ICCએ કે BCCIએ લખેલો કોઈ પત્ર મને કે PCB સુધી પહોંચ્યો નથી.'
ક્રિકેટ રાજકારણથી મુક્ત રહેવું જોઈએ
વધુમાં નકવીએ જણાવ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે ક્રિકેટ રાજકારણથી મુક્ત રહેવું જોઈએ. દુનિયાની એકપણ રમતમાં આ પ્રકારનું રાજકારણ થવું ન જોઈએ. અમે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ ચાલુ રાખીશું, જે તમે હવે જોઈ રહ્યા છો. જો ભારત પીછેહઠ કરે છે, તો અમે અમારી સરકાર પાસેથી સલાહ લઈશું અને તે મુજબ જવાબ આપીશું કારણ કે ભૂતકાળમાં ઘણાં પ્રસંગોએ BCCI સાથે અમારા સંબંધો ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહ્યા છે.'
કયારે શરુ થશે ચેમ્પિયન્સ ટ્રોફી?
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કરીને ICC અને તેના સભ્ય દેશોને મોકલી દીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના શિડ્યુલની જાહેરાત 11મી નવેમ્બરે થઈ શકે છે. રિપોર્ટનું માનીએ તો ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 19 ફેબ્રુઆરીએ કરાચીમાં યોજાઈ શકે છે. જ્યારે ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. તેમજ શેડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં મેચ રમાશે. ભારતની તમામ મેચ લાહોરમાં યોજાય છે. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.