ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ વાતચીત?, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું
Champions Trophy 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી સમયે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ભારત સરકારની પરવાનગી ન મળતાં BCCIએ ભારતીય ટીમને મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બીજી તરફ PCB(પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ) આ ટુર્નામેન્ટને પાકિસ્તાનમાં જ યોજવા પર અડગ છે. તેમના કહેવા અનુસાર, તેઓ હાઇબ્રિડ મોડલને સ્વીકારશે નહીં અને તમામ મેચ પાકિસ્તાનમાં જ યોજાશે. હવે એવી અફવા સામે આવી રહી છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાંથી બહાર નીકળવા માટે પડદા પાછળ વાતચીત થઈ રહી છે. હવે આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી નિવેદન આપી આ અંગે સ્પષ્ટતા કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સાથે કોઈ બેક ચેનલ વાતચીત ચાલી રહી નથી.
શું કહ્યું પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચને એક પ્રેસ કોન્ફરન્સમાં આવતા વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટની સ્થિતિ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી અને દ્રિપક્ષીય ક્રિકેટ પર ભાર સાથે પડદા પાછળ કોઈ પણ વાતચીત ચાલી રહી નથી. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન અને અલગ-અલગ ટીમોનું ટુર્નામેન્ટ સામેલ થવા અંગેની માહિતી PCB પાસે છે. તેઓ જ વધુ માહિતી આપી શેક છે.
આ પણ વાંચો : ભારતને ભડકાવવાનો પ્રયાસ નાકામ! PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
રમતનું રાજનીતિકરણ ન કરવું જોઈએ!
બલોચે વધુમાં કહ્યું હતું કે, આ ટુર્નામેન્ટને રાજકારણ સાથે ન જોડવું જોઈએ. પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે રમતનું રાજનીતિકરણ ન કરવું જોઈએ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો, ભારત તેની ટીમ મોકલવાનો ઇનકાર કરશે તો શું પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ચાલુ રાખશે? તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, PCB ટુર્નામેન્ટમાં ટીમોની ભાગીદારી સહિતની બાકીની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવા ICCના સંપર્કમાં છે.'
શું હાઈબ્રિડ મોડલના આધાર પર રમાશે ટુર્નામેન્ટ?
BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ન જવાની જાણકારી ICCને આપી દીધી છે. આ પછી ICCએ હાઈબ્રિડ મોડલમાં ટુર્નામેન્ટની યજમાની કરવા અંગે PCB પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન ભારતની મેચો હાઈબ્રિડ મોડલ અનુસાર શ્રીલંકામાં યોજાઈ હતી. જ્યારે બાકીની મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી.