ચેમ્પિયન્સ ટ્રોફી માટે BCCIની બેઠક અઢી કલાક ચાલી, ગંભીર અને રોહિત-અગરકર વચ્ચે ખેંચતાણ
Indian Team Selction For Champions Trophy: ભારતમાં ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ છ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિદિવસીય વનડે સીરિઝ અને 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને દુબઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે. જેમાં ઘણા ઉમદા ખેલાડીઓેની પસંદગી ન થતાં ચાહકો નારાજ પણ થયા છે. ઉલ્લેખનીય છે, આ સીરિઝ માટે ખેલાડીઓની પસંદગી કરવા યોજાયેલી બીસીસીઆઈની સિલેક્શન ટીમે હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ પર લગભગ અઢી કલાક સુધી ચર્ચાઓ કરી હતી.
મુંબઈમાં બીસીસીઆઈની હેડ ઓફિસે યોજાયેલી બેઠક અંગે એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, હેડ કોચ ગૌતમ ગંભીર હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન બનાવવા માગતાં હતા. જ્યારે કેપ્ટન રોહિત અને ચીફ સિલેક્ટર અજિત અગરકર શુભમનને વાઈસ કેપ્ટન બનાવવા માગતા હતાં. બંને વચ્ચે આ મુદ્દે વાદ-વિવાદ પણ થયો હતો. વધુમાં હેડ કોચ ટી20માં ત્રણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા ક્રિકેટર સંજૂ સેમસનની વિકેટકીપર તરીકે પસંદગી કરવા માગતા હતાં, જ્યારે સિલેક્શન ટીમે ઋષભ પંત પર વિશ્વાસ મૂક્યો હતો. તેઓએ કે.એલ. રાહુલને પણ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કર્યો છે.
રોહિત સાથે હંમેશાથી વાઈસ કેપ્ટન રહ્યો છે હાર્દિક
ભારતીય ક્રિકેટ ટીમમાં જ્યારે જ્યારે રોહિત શર્મા કેપ્ટન રહ્યો હતો, ત્યારે ઓલરાઉન્ડર હાર્દિક વનડે અને ટી20 ટીમના વાઈસ કેપ્ટન રહ્યો હતો. ઓક્ટોબર-નવેમ્બર, 2023માં યોજાયેલા વનડે વર્લ્ડ કપમાં રોહિત કેપ્ટન અને હાર્દિક વાઈસ કેપ્ટન રહ્યો હતો. પરંતુ ઈજાના કારણે હાર્દિકે ટૂર્નામેન્ટ છોડતાં રાહુલ વાઈસ કેપ્ટન બન્યો હતો.
શું મુંબઈ ઈન્ડિયન્સના લીધે રોહિત નારાજ?
મુંબઈ ઈન્ડિયન્સમાં વર્ષોથી કેપ્ટન રહેલા રોહિત શર્માને હટાવી 2023માં હાર્દિકને કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રોહિતના ચાહકો નારાજ થયા હતા. રોહિત પણ મુંબઈ ઈન્ડિયન્સની સિલેક્શન ટીમથી નારાજ થયો હોવાની અફવાઓ આવી હતી. વર્ષોથી રોહિત અને હાર્દિક કેપ્ટન-વાઈસ કેપ્ટનની જોડીમાં રમ્યા હતા. પરંતુ અચાનક રોહિતે આગામી સમયમાં યોજાનારી વનડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિકના બદલે શુભમનને પ્રાધાન્ય આપતાં નવી અટકળો વહેતી થઈ છે કે, શું મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પદેથી રોહિતનું સ્થાન હાર્દિકને આપવાથી તેણે આ રીતે નારાજગી વ્યક્ત કરી છે.
કેપ્ટન, ચીફ સિલેક્ટરનું પ્રેશર
ગતવર્ષે શ્રીલંકામાં ત્રણ મેચની વનડે સીરિઝમાં ગિલને વનડે અને ટી20 બંને સીરિઝનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રોહિતે વનડેમાં કેપ્ટન તરીકે વાપસી કરી હતી. ગતવર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતીય ટીમે રોહિતની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડ કપ જીતાડી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. બાદમાં બીસીસીઆઈએ ટી20ની કેપ્ટનશીપ હાર્દિકને સોંપી હતી. પરંતુ ચીફ સિલેક્ટર અને રોહિતના પ્રેશરના કારણે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે હાલ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 સીરિઝમાં કેપ્ટનશીપ કરશે.