IND vs AUS: ભારત વિરુદ્ધ સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં 21 વર્ષના ખેલાડીની એન્ટ્રી
ICC Champions Trophy IND Vs AUS: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈલ મેચ આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. 4 માર્ચે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, જ્યારે 5 માર્ચે સાઉથ આફ્રિકા અન ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલનો મુકાબલો થશે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટો ફેરફાર
ભારત વિરૂદ્ધ સેમિફાઈનલ પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટો ફેરફાર થયો છે. મેથ્યુ ઈજાગ્રસ્ત થતાં હવે તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સ્પિનર અને ઓલરાઉન્ડર કૂપર કોનોલીની એન્ટ્રી થઈ છે. કોનોલી રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ હતો. પરંતુ હવે મેથ્યુના સ્થાને મેઈન ટીમ સાથે મેદાન પર ઉતરશે.
ઓસ્ટ્રેલિયાનો સૌથી યુવા ખેલાડી
21 વર્ષીય કૂપર કોનોલીએ હાલમાં સપ્ટેમ્બર, 2024માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બ્રિસ્ટલમાં રમાયેલી ODIથી ડેબ્યૂ કર્યુ હતું. કોનોલીએ ઓસ્ટ્રેલિયા તરફથી અત્યારસુધી 1 ટેસ્ટ, 3 ODI, અને બે ટી20 મેચ રમી છે. જેમાં ટેસ્ટમાં ચાર, ODIમાં 10 રન ફટકાર્યા છે. T20માં બેટિંગ કરવાની તક ન મળતાં હજી સુધી ખાતુ ખોલી શક્યો નથી. સ્પિન બોલિંગ કરતા કોનોલીએ હજી સુધી કોઈ વિકેટ ઝડપી નથી.
મેથ્યૂ શોર્ટ ઈજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયાની અફઘાનિસ્તાન વિરૂદ્ધની સ્ટેજ ગ્રૂપ મેચમાં મેથ્યૂને બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી. તેણે 15 બોલમાં 20 રન બનાવ્યા હતાં. પરંતુ અઝમતુલ્લાહ ઉમરજઈના બોલ પર આઉટ થયાં પહેલાં જ તેના મસલ્સ ખેંચાઈ ગયા હતાં. મેથ્યૂ શોર્ટ આકર્ષક ફોર્મમાં બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ ઈજા થતાં તેને આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 63 રન બનાવી રેકોર્ડ રનચેજમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.
ઓસ્ટ્રેલિયાની નવી સેમિફાઈનલ માટેની ટીમઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી (વિકેટકીપર), બેન ડ્વારશૂઈસ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), સ્પેન્સર જ્હોનસન, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, કૂપર કોનોલી, એડમ જામ્પા
ટીમ ઈન્ડિયામાં પણ કેએલને મળી શકે છે વિદાય
ટીમ ઈન્ડિયામાં પણ મોટો ફેરફાર થવાની સંભાવના જોવા મળી છે. નબળા પર્ફોર્મન્સના કારણે ભારતીય વિકેટકીપર કેએલ રાહુલને ટીમ મેનેજમેન્ટ આરામ આપી શકે છે. તેના સ્થાને રિઝર્વ ખેલાડી ઋષભ પંતને રમવાની તક આપી શકે છે.