ચેમ્પિયન્સ ટ્રોફીમાં મોટો વિવાદ! મેજબાન છતાં એવોર્ડ સેરેમનીમાં મંચ પર PCBનો કોઈ અધિકારી નહીં
Champions Trophy 2025 Controversy : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના સમાપન સમારોહ અંગે એક મોટો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના કોઈપણ અધિકારીને સમાપન સમારોહ દરમિયાન મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. સૂત્રો મુજબ પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સુમૈર અહેમદ જે આ ટુર્નામેન્ટના નિર્દેશક પણ હતા તેઓ સમાપન સમારોહ વખતે ત્યાં હાજર હતા પરંતુ તેમને મંચ પર આમંત્રિત કરાયા નહોતા.
ખરેખર વિવાદ શું છે?
મામલો કંઇક એમ છે કે પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી પણ છે અને તે વ્યસ્ત હોવાને કારણે દુબઈ આવી શક્યા નહોતા. એટલા માટે પીસીબીએ સીઈઓને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યા હતા. જોકે એવોર્ડ સેરેમની દરમિયાન મંચ પર ફક્ત ICC અધ્યક્ષ જય શાહ, બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની અને સેક્રેટરી દેવાજીત સૈકિયા જ હાજર હતા. જેમણે ખેલાડીઓને ટ્રોફી, મેડલ અને જેકેટ આપ્યા. મંચ પર અન્ય ગણમાન્ય વ્યક્તિઓમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિંચ પણ હાજર હતા પણ પીસીબીના અધિકારીઓને મંચ પર નહોતા બોલાવાયા.
પીસીબી વિરોધ નોંધાવશે
માહિતી અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે આઈસીસી સામે વિરોધ કરવાની યોજના બનાવી રહ્યું છે. જોકે સૂત્રો દાવો કરી રહ્યા છે કે કોઈ કારણવશ કે પછી ગેરસમજને કારણે પીસીબીના અધિકારીને પોડિયમ પર ન બોલાવાયા. કદાચ સીઇઓ સમાપન સમારોહના આયોજક આઈસીસીના અધિકારીઓ સાથે યોગ્ય રીતે કમ્યુનિકેટ નહીં કરી શક્યા હોય અને એટલા માટે તેમને એવોર્ડ સેરેમનીમાં સ્થાન ન મળ્યું.
શોએબ અખ્તરે ઊઠાવ્યાં સવાલો
બીજી બાજુ પાકિસ્તાનના પૂર્વ ઝડપી સ્ટાર બોલર શોએબ અખ્તરે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી કહ્યું કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી પણ સમાપન સમારોહમાં પીસીબીનો કોઈ અધિકારી ન દેખાયા. પાકિસ્તાન મેજબાન હતું તેમ છતાં કોઈ પ્રતિનિધિને સ્થાન નહીં. મામલો મારી સમજથી બહાર છે અને આ મામલે વિચારવાની જરૂર છે. આ જોઇને ખરાબ લાગ્યું.
This is literally beyond my understanding.
— Shoaib Akhtar (@shoaib100mph) March 9, 2025
How can this be done???#championstrophy2025 pic.twitter.com/CPIUgevFj9