ચેમ્પિયન્સ ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાન જવાનો ઈનકાર કર્યા બાદ ICC પણ ઘૂંટણિયે, લાહોરનો કાર્યક્રમ રદ
Champions Trophy 2025 : આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે.
ICCએ રદ કર્યો કાર્યક્રમ
ભારતના આ નિર્ણયને કારણે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક કાર્યક્રમ પણ રદ કરવાની ફરજ પડી છે. આ કાર્યક્રમ લાહોરમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલને લઈને ચર્ચા કરવા માટે 11 નવેમ્બરે આયોજિત થવાનો હતો. મોટા અધિકારીઓ તેમાં ભાગ લેવાના હતા. તેવી અપેક્ષા હતી. પરંતુ હવે એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ICCએ આ કાર્યક્રમ રદ કરી દીધો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી!
એક અહેવાલમાં સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. યજમાન પાકિસ્તાન અને ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અન્ય દેશો સાથે શેડ્યૂલ અંગેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે.' ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. અને શેડ્યૂલની જાહેરાત કરવામાં વિલંબ થવાનું કારણ ભારતનું વલણ માનવામાં આવી રહ્યું છે.
શું ચેમ્પિયન્સ ટ્રોફી રદ કરવામાં આવશે?
શેડ્યૂલ જાહેર કરવામાં થઇ રહેલા વિલંબથી સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ પણ રદ્દ થશે? જેને લઈને અમુક અહેવાલમાં ખુલાસો થયો છે કે 11 નવેમ્બરે યોજાનારી કાર્યક્રમનું આયોજન ચેમ્પિયન્સ ટ્રોફીની બ્રાન્ડિંગ માટે કરવામાં આવી રહ્યું હતું. આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવશે નહીં, પરંતુ લાહોરના સંજોગોને ધ્યાનમાં રાખીને તેના માટે નવું શેડ્યૂલ તૈયાર કરી શકાય છે.
આ પણ વાંચો : IND vs AUS: રોહિત શર્માની જગ્યાએ ટીમ ઇન્ડિયા માટે કોણ કરશે ઓપનિંગ? ત્રણ નામો રેસમાં
હાઇબ્રિડ મોડલ પર યોજાશે ટુર્નામેન્ટ?
એક તરફ ICCએ નિર્ધારિત કાર્યક્રમોને રદ્દ કરી દીધા છે. તો બીજી તરફ ભારતે પણ પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી હવે કહેવાઈ રહ્યું છે કે ICC અને PCBને હાઇબ્રિડ મોડલ સ્વીકારવાની ફરજ પડી શકે છે. અગાઉ કેટલીક મેચોને પાકિસ્તાનની બહાર શિફ્ટ કરવા માટે નવું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું.