'સાચું પણ હોઈ શકે અને નહીં...' ધનશ્રી સાથે છુટાછેડાંની અફવાઓ અંગે યુઝવેન્દ્ર ચહલે તોડ્યું મૌન
Yuzi And Dhanashree Divorce Rumors: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી હાલ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં ઘણાં અહેવાલો વહેતા થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. છૂટાછેડા અંગે બંનેમાંથી કોઈ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકોને ચોક્કસ કેટલાક સંકેતો આપ્યા છે.
યુઝવેન્દ્ર ચહલે મૌન તોડ્યું
ધનશ્રીએ તાજેતરમાં જ પોતાની એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'તથ્યો તપાસ્યા વિના, તેના પાત્ર વિશે ખોટી વાતો કહેવામાં આવી રહી છે અને તેને નફરત કરવામાં આવી રહી છે.' હવે યુઝવેન્દ્ર ચહલે પણ છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.
યુઝવેન્દ્ર ચહલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, 'હું ચાહકોના અતૂટ પ્રેમ અને સમર્થન માટે આભારી છું, જેના વિના હું અહીં સુધી પહોંચી શક્યો ન હોત. પણ આ યાત્રા હજુ પૂરી થઈ નથી. મારા દેશ, મારી ટીમ અને મારા ચાહકો માટે હજુ ઘણી અદ્ભુત ઓવરો ફેંકવાની બાકી છે. જ્યારે મને એક ખેલાડી, પુત્ર, ભાઈ અને મિત્ર હોવાનો ગર્વ છે. હું તાજેતરના અહેવાલો સમજું છું, ખાસ કરીને મારા અંગત જીવન વિશે જાણવા મળેલા સમાચાર વિશે. જોકે, મેં જોયું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક દાવા કરવામાં આવી રહ્યા છે, જે સાચા હોઈ શકે છે અને ન પણ હોય.'
આ પણ વાંચો: વિરાટ કોહલી લઈ શકે આ મોટો નિર્ણય, BGT સીરિઝમાં ખરાબ પ્રદર્શન બાદ વધી ગયુ હતું દબાણ
અગાઉ ધનશ્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. પરંતુ મને સૌથી ખરાબ વાત એ લાગી કે મારા પાત્ર વિશે તથ્યો તપાસ્યા વિના બિનજરૂરી વાતો કહેવામાં આવી રહી છે. મેં ઘણાં વર્ષો સુધી સખત મહેનત કરીને મારું નામ અને આદર મેળવ્યો છે. મારા મૌનને મારી નબળાઈ ન સમજો, એ મારી તાકાત છે.'