ઓલિમ્પિકમાં વિવાદ વચ્ચે સિલ્વર મેડલનો મામલો ગુંચવાયો, CASએ વિનેશ ફોગાટને પૂછ્યાં 3 સવાલ
Vinesh Phogat Silver Medal: ભારતીય સ્ટાર રેસલર વિનેશ ફોગાટના કેસનો હજુ સુધી નિર્ણય નથી આવ્યો. પેરિસ ઓલિમ્પિક 2024 દરમિયાન ગોલ્ડ મેડલની મેચ પહેલા વિનેશને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે આ મામલે CASને અપીલ કરી હતી. પરંતુ CASએ હજુ સુધી નિર્ણય નથી લીધો. CASએ વિનેશ પાસે ત્રણ સવાલોના જવાબ માંગ્યા છે. આમ હાલમાં કેસ વિનેશની તરફેણમાં છે. વિનેશે સિલ્વર મેડલની માગ કરી છે.
CASએ વિનેશ ફોગાટને પૂછ્યાં 3 સવાલ
CASના જજે વિનેશને ત્રણ સવાલ પૂછ્યા છે. તેમણે તેના જવાબ ઈમેલ દ્વારા આપવાના રહેશે. CASનો વિનેશને પહેલો સવાલ એ છે કે, શું તમે એ નિયમથી વાકેફ હતા કે તમારે બીજા દિવસે પણ વજન કરવું પડશે? બીજો સવાલ સિલ્વર મેડલ સાથે સંબંધિત છે. વિનેશને પૂછવામાં આવ્યું છે કે, શું ક્યુબાની રેસલર તમારી સાથે સિલ્વર મેડલ શેર કરી લેશે? જ્યારે ત્રીજો સવાલ એ પૂછવામાં આવ્યો છે કે, તમને આ અપીલનો નિર્ણય નિર્ણય જાહેર રીતે જોઈએ કે પછી ગોપનીય રીતે અંગત રીતે જોઈએ?
100 ગ્રામ વધુ વજનના કારણે વિનેશને અયોગ્ય જાહેર કરાઈ હતી
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ થયુ હતું. આ કારણોસર વિનેશને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. વિનેશે વજન ઘટાડવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યા. પરંતુ તેને સફળતા ન મળી. હવે મામલો CASમાં છે. વિનેશની સાથે-સાથે ચાહકો પણ CASના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે કુલ 6 મેડલ જીત્યા છે. જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં દેશને ત્રણ મેડલ મળ્યા છે. તે ત્રણેય બ્રોન્ઝ છે. બીજી તરફ એક મેડલ રેસલિંગમાં પણ આવ્યો છે. અમન સહરાવતે બ્રોન્ઝ જીત્યો છે.