Get The App

VIDEO: ગોળીની જેમ છૂટેલો બોલ મોં પર વાગ્યો, મેદાન પર જ ઢળી પડ્યો ક્રિકેટર અને છવાઈ ગયો સન્નાટો

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Carmi le roux Ryan Rickelton


Major League Cricket: ક્રિકેટના મેદાન પર ઘણી વખત આવી ઘટનાઓ બને છે જે ફેન્સના અને ખેલાડીઓના પણ હૃદયના ધબકારા વધારી દે છે. ઓસ્ટ્રેલિયાના ફિલિપ હ્યુજીસનું ક્રિકેટના મેદાન પર થયેલું મોત એ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે આજ સુધીની સૌથી કરૂણ ઘટના છે. 2014માં બેટિંગ કરતી વખતે બાઉન્સર વાગવાથી તેનું ક્રિકેટના મેદાનમાં જ મૃત્યુ થયું હતું. ત્યારથી ક્રિકેટના મેદાન પર કોઈપણ ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય તો લોકોને ચિંતા થવા માંડે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી જ ક્રિકેટનો ક્રેઝ વધી રહ્યો છે. હવે અમેરિકામાં બનેલી એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા.

ગોળીની જેમ છૂટીને બોલરના માથે વાગ્યો બોલ

ઉત્તર કેરોલિનાના મોરિસવિલેમાં ચર્ચ સ્ટ્રીટ પાર્ક ખાતે બુધવારે મેજર લીગ ક્રિકેટ (MLC) મેચ દરમિયાન સેન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સના બોલર કાર્મી લે રોક્સ (Carmi le Roux) ને સિએટલ ઓરકાસ સામે રમતી વખતે માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના બીજી ઇનિંગની ત્રીજી ઓવરમાં બની હતી, જ્યારે લે રોક્સ સિએટલ ઓરકાસ ટીમના બેટ્સમેન રેયાન રિકલ્ટન (Ryan Rickelton) સામે ઓવર ધ વિકેટ બોલિંગ કરી રહ્યો હતો.

કાર્મી લે રોક્સે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો અને રિકલ્ટને તે બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ ફટકારી. બોલર લે રોક્સ કંઈ સમજે તે પહેલા જ બોલ તેના માથામાં વાગી ગયો. આ બોલ એટલો ઝડપથી ગોળીની જેમ તેની સામે આવ્યો કે તેની પાસે પ્રતિક્રિયા કરવાનો સમય નહોતો અને તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. મેદાન પર હાજર અમ્પાયરે તરત જ મેડિકલ ટીમને બોલાવી હતી. મેદાનમાં હાજર તમામ ક્રિકેટર્સ અને મેદાનની બહારના લોકો પણ આ જોઈને ગભરાઈ ગયા હતા. થોડી વાર તો મેદાન પર સન્નાટો છવાઈ ગયો હતો.

જો કે ત્યાર પછી લે રૉક્સને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો અને તેની જગ્યાએ અમેરિકન ક્રિકેટર કોરી એન્ડરસને ઓવર પૂરી કરી હતી. જો કે અત્યાર સુધી આ ઘટના અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા તેમની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા ચેનલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

આ મેચમાં લે રૉક્સ મેચમાં માત્ર 1.4 ઓવર જ ફેંકી શક્યો હતો. આ દરમિયાન તેણે 11 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી ન હતી. આખરે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે આ મેચ 23 રને જીતી લીધી હતી. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે 20 ઓવરમાં 7 વિકેટે 165 રન બનાવ્યા હતા. જવાબમાં સિએટલ ઓરકાસની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 142 રન જ બનાવી શકી હતી.


Google NewsGoogle News