3 મહિના પછી રોહિતનો મોટો ખુલાસો, T-20 વર્લ્ડકપની ફાઈનલ આ ખેલાડીએ જીતાડી હતી
T20 World Cup 2024, Rohit Sharma : ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે T20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમના કેપ્ટન રોહિત શર્માએ હવે ફાઈનલ મેચને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. ફાઈનલ મેચનો ટર્નિંગ પોઈન્ટ સૂર્યકુમાર યાદવે પકડેલો કેચ હતો. જેના આધારે ભારતે છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પરંતુ રોહિતે શર્માએ સૂર્યકુમાર નહીં પરંતુ વિકેટકીપર રિષભ પંત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પંતે રમતને ધીમી કરવા માટે એક ચાલ કરી હતી. અને તે ઘણી હદ સુધી તેમાં સફળ પણ રહ્યો હતો.
આ ખુલાસો એક શોમાં રોહિતે સાથી ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહ સાથે કર્યો હતો. રોહિતે કહ્યું કે, જ્યારે દક્ષિણ આફ્રિકા ટીમને 30 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે પંતે ઈજા થઇ હોવાનું બહાનું કાઢી મેચ થોડા સમય માટે રોકી દીધી હતી. જેથી કરીને દક્ષિણ આફ્રિકાના બેટરોની લય તૂટી ગઈ હતી, જેનો ફાયદો ટીમને થયો હતો.
ફાઈનલ મેચને લઈને રોહિતે કહ્યું કે, 'દક્ષિણ આફ્રિકાના બે સેટ બેટર ક્રિઝ પર હતા. અને તેમની હજુ ઘણી વિકેટ બાકી હતી. ત્યારે અમે તણાવ અનુભવી રહ્યા હતા. અમે થોડા ડરી ગયા હતા, પરંતુ તે સમયે કેપ્ટનમાં હિંમત હોવી જોઈએ. આ અંગે અમારામાંથી કોઈને પણ ખબર ન હતી. ત્યારબાદ પંતે ઘૂંટણની ઈજાનું બહાનું કરીને મેચ અટકાવી દીધી હતી. ત્યારબાદ પંતે તેના ઘૂંટણ પર ટેપ મારવાનું શરૂ કરી દીધું હતું.
કેપ્ટને આગળ કહ્યું, 'તે સમયે બેટર ઇચ્છતો હતો કે, બોલ ઝડપથી ફેંકવામાં આવે કારણ કે ત્યારે તે લયમાં હતો. અમારે ત્યારે તેની લયને તોડવાની જરૂર હતી. હું મેદાન પર ફિલ્ડને ગોઠવી રહ્યો હતો. અને બોલર સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મેં જોયું કે પંત મેદાન પર હતો. ફિઝિયો ત્યાં હતો. અને ક્લાસેન મેચ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. હું એમ નથી કહેતો કે આ જીતનું કારણ હતું. પરંતુ તે હોઈ શકે છે. પંતે તેના મગજનો ઉપયોગ કર્યો અને અમે જીતી ગયા.'