રોહિત શર્માએ આરામ કરવાનું નક્કી કર્યું, આમાં કોઈ સ્વાર્થ નથી: કેપ્ટન જસપ્રીત બુમરાહની પ્રતિક્રિયા
Jasprit Bumrah on Rohit Sharma : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ હાલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા આ મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર છે. રોહિત શર્માની જગ્યાએ ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સિડની ટેસ્ટમાં ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી કેપ્ટન રોહિત શર્મા કેમ બહાર છે? તેને લઈને હવે હાલના કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ સમયે આ અંગે ખુલાસો કર્યો હતો.
શું કહ્યું જસપ્રીત બુમરાહે?
આ મેચમાં કેપ્ટન જસપ્રીત બુમરાહે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાંથી પોતાને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે જસપ્રીત બુમરાહે કહ્યું કે, 'સ્વાભાવિક છે કે અમારા કેપ્ટન (રોહિત શર્મા)એ પણ પોતાની નેતૃત્વ ક્ષમતા બતાવી છે. તેણે આ મેચમાં આરામ કરવાનું પસંદ કર્યું છે. આ દર્શાવે છે કે અમારી ટીમમાં ઘણી એકતા છે. જેમાં કોઈ સ્વાર્થ નથી. જે પણ ટીમના હિતમાં હશે તે જ અમે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' આ વખતે શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. જ્યારે ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આ સીરિઝમાં પહેલી રમવાની તક મળી છે. આઉટ ઓફ ફોર્મ રોહિત શર્માના સ્થાને શુભમન ગિલ અને ઈજાગ્રસ્ત આકાશદીપની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરવામાં આવ્યો છે.
સીરિઝમાં રોહિતનું નિરાશાજનક પ્રદર્શન
હકીકતમાં સિડની ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ જસપ્રીત બુમરાહ ટોસ માટે મેદાનમાં આવ્યો હતો. આ સીરિઝ દરમિયાન રોહિતનું બેટ શાંત રહ્યું છે. તેણે 5 ટેસ્ટ ઇનિંગ્સમાં માત્ર 31 રન બનાવ્યા છે. તેણે ઇનિંગ્સમાં અનુક્રમે 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા છે. ત્યારે હવે ભારતીય ટીમે આખરી ટેસ્ટ માટે પોતાના કેપ્ટનને બદલવાનું અસાધારણ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો: રોહિતની ટેસ્ટમાં પણ કારકિર્દી પતી ગઇ! ગાવસ્કર સહિત 3 દિગ્ગજોની ભવિષ્યવાણી ચર્ચામાં
ડ્રેસિંગ રૂમનું વાતાવરણ હકારાત્મક
ટોસ સમયે જ્યારે રવિ શાસ્ત્રીએ જસપ્રિત બુમરાહને ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ અંગે પૂછ્યું ત્યારે તેનો જવાબ આપતા બુમરાહે કહ્યું, 'હા, ડ્રેસિંગ રૂમમાં વાતચીત ઘણી સારી રહી હતી. અમે વાતાવરણને હકારાત્મક રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખીને અમે શીખવાની કોશિશ કરી રહ્યા છીએ.' પર્થ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે ટીમને જીત અપાવી હતી, ત્યારે રોહિત શર્મા તેના બીજા બાળકના જન્મના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. જો કે હજુ પણ ભારતે આ સીરિઝ સંપૂર્ણપણે હારી નથી. હાલ ભારત આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી પાછળ છે, પરંતુ સિડની ટેસ્ટમાં ટીમ પાસે સીરિઝમાં બરોબરી કરવાની અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખવાની તક છે.