Get The App

બાબર આઝમના વળતા પાણી, અવગણના કરીને મોહમ્મદ રિઝવાનને બનાવ્યો કેપ્ટન

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
બાબર આઝમના વળતા પાણી, અવગણના કરીને મોહમ્મદ રિઝવાનને બનાવ્યો કેપ્ટન 1 - image


T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન માટે બાબર આઝમને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સહિતના અનેક ક્રિકેટ એક્સપર્ટે બાબરના ફોર્મ પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને કેપ્ટનશિપ પરથી પણ હટાવવાની માંગ કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને સુકાની પદ પરથી હજી નથી હટાવ્યો પરંતુ બાંગ્લાદેશની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દીધો છે. જોકે ખરાબ પરફોર્મન્સની અસર હવે બાબર પર કેનેડાની GT20 લીગમાં પણ જોવા મળી છે. એક જ ટીમમાંથી રમી રહેલા બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિતના 4 પ્લેયર્સમાંથી વાનકુવર નાઈટ્સ ફ્રેન્ચાઈઝીએ બાબરની અવગણના કરીને રિઝવાનને કેપ્ટન બનાવ્યો છે.

વાનકુવર નાઈટ્સે કેપ્ટનની નિમણૂક કેમ કરી ?

GT20 લીગની ચોથી સિઝન કેનેડામાં થવા જઈ રહી છે. દરમિયાન, વાનકુવર નાઈટ્સે પોતાના સોશિયલ મીડિયા પર રિઝવાનની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. આ સાથે એક નિવેદનમાં રિઝવાનને કેમ કેપ્ટન બનાવવામાં આવ્યો છે તેનું કારણ પણ જણાવ્યું છે. વાનકુવર નાઈટ્સે નિવેદનમાં કહ્યું કે રિઝવાનને તેની શાનદાર બેટિંગ અને વિકેટ કીપિંગના કારણે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હવે બાબર આઝમે રિઝવાનની કેપ્ટનશીપમાં રમવું પડશે. રિઝવાન અને બાબર ઉપરાંત પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિર અને આસિફ અલી પણ આ ટીમનો ભાગ હશે. આ ચાર પાકિસ્તાની ખેલાડીઓ ઉપરાંત શાહીન આફ્રિદી પણ ટોરોન્ટો નેશનલ ટીમ તરફથી આ લીગમાં રમવાનો છે.

બાબર કે રિઝવાન-બેસ્ટ કેપ્ટન કોણ ?

બાબર આઝમે T20 ઈન્ટરનેશનલમાં 85 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 48માં જીત મેળવી છે. તેમની કપ્તાનીમાં પાકિસ્તાન 2022 T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ત્યારથી ટીમના પરર્ફોમન્સમાં અધોગતિ જોવા મળી રહી છે. બાબરની કેપ્ટનશીપમાં પાકિસ્તાન એક પણ ટ્રોફી જીતી શકી નથી. પાકિસ્તાન સુપર લીગમાં બાબર પેશાવર ઝાલ્મીનો કેપ્ટન છે. આ ટીમ પણ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. તેણે પીએસએલમાં 22 મેચોમાં કેપ્ટનશિપ કરી, જેમાં તેણે 11 મેચ જીતી અને 11માં હારનો સામનો કરવો પડ્યો. 

જોકે સામે પક્ષે રિઝવાને હજુ સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી નથી, પરંતુ PSLમાં મુલતાન સુલ્તાનની કેપ્ટનશીપ કરતી વખતે તે ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યો છે.


Google NewsGoogle News